ભરૂચની ૨૭ વરસાદી કાંસોની સફાઈમાં વેઠ ઉતારાતી હોવાનાં આક્ષેપ

મકતમપુર,કસક, બાયપાસ ચોકડી,ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોની વરસાદી કાંસો કચરાઓના ઢગથી ઉભરાઈ-અડધા કરોડના ખર્ચ બાદ પણ ભરૂચ શહેરના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય તે ગંભીર બાબત છે.
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં વરસાદી કાંસો ૨૭ આવેલી છે વરસાદી કાંસો કચરાઓના ઢગલાઓથી ભરચક જોવા મળી રહી છે.ચોમાસા પૂર્વે અડધા કરોડના ખર્ચે વરસાદી કાંસોની સફાઈ થતી હોય છે.પરંતુ સમયસર સફાઈ ન થતી હોય અને સફાઈમાં પણ વેઠ ઉતારવામાં આવતી હોવાના કારણે દર ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાના અનેક વખત આક્ષેપો થયા છે.
ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારની વાત કરવામાં આવે તો ભરૂચમાં મોટા પ્રમાણમાં ૨૭ જેટલી વરસાદી કાંસો આવેલી છે જે વરસાદી કાંસોમાં લોકો કચરાઓનો નિકાલ કરતા હોય છે અને આ વાતથી નગરપાલિકા પણ અજાણ નથી. નગરપાલિકાએ કચરા પેટીઓ ઉઠાવી લીધા બાદ લોકો કચરાનો નિકાલ વરસાદી કાંસમાં જ કરતા હોય જેના પગલે વરસાદી કાંસોમાં કચરાઓના ઢગલાઓ જામ્યા છે.
જેના કારણે ગટરના પાણી સ્થિર થવાના કારણે મચ્છરોનાઓ ઉપદ્રવ વધ્યા છે મોડી સાંજે પણ લોકોએ મચ્છરોથી રાહત મેળવવા ઘરના બારી બારણા બંધ કરવાની નોબત આવતી હોય છે.ત્યારે ચોમાસાને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાસની સફાઈનું મુહૂર્ત વહેલી તકે શોધવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સમયસર સફાઈ ન કરવામાં આવતી હોય અને ચોમાસાનો પ્રારંભ થતાં ઘણી કાંસોની સફાઈ થતી ન હોય જેથી સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો સર્જાતો હોય લોકોના મકાનોમાં અને દુકાનોમાં પણ પાણી ફરી વળતા હોવાના આક્ષેપ સાથે ચાર રસ્તા વિસ્તારમાં ચોમાસાના ચાર મહિના જળબંબાકારની સ્થિતિ રહેતી હોય છે
અને વરસાદી કાંસની સફાઈમાં વેટ ઉતારવામાં આવતી હોવાના કારણે પાણીનો આગળ નિકાલ ન થતા ચાર રસ્તા વિસ્તારમાં લોકોની દુકાનોમાં પાણીનો ભરાવો થતા વેપારીઓને મોટું નુકસાન વેચવાનો વારો આવતો હોવાનો સ્થાનિક સોયબ સુઝનીવાલાએ આક્ષેપ કર્યો છે.
ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદે પણ ગંભીર આક્ષેપો કર્યા છે નગરપાલિકા વરસાદી કાંસની સફાઈ કરવામાં વેઠ ઉતારતી હોય છે અને સમયસર વરસાદી કાંસોની સફાઈ ન થતી હોવાના કારણે વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે.
અડધા કરોડના ખર્ચ બાદ પણ ભરૂચ શહેરના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય તે ગંભીર બાબત છે. ભરૂચ નગરપાલિકા સમયસર વરસાદી કાંસોની સફાઈ કરાવે અને સંપૂર્ણ કાંસોની સફાઈ સારી રીતે કરવામાં આવે તો જ ભરૂચમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા નહી થઈ શકે તેમ હોવાનો આક્ષેપ કર્યો છે.
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે હદ વિસ્તારમાં ૨૭ જેટલી વરસાદી કાંસો આવેલી છે અને દર ચોમાસાની સિઝનમાં વરસાદી કાંસોની સફાઈ કરવા માટે રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે અને વરસાદી કાંસોની સફાઈ થતી જ હોય છે.પરંતુ ઘણી વખત વરસાદી કાંસની સફાઈ બાદ પણ નગરજનો કચરાનો નિકાલ કાંસમાં જ કરતા હોય
જેના કારણે ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે કચરાના ઢગલાથી પાણી આગળ જતું ન હોય જેના કારણે વરસાદી પાણી ભરાતા હોય છે.ટૂંક સમયમાં ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતી વરસાદી કાંસોની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.
ભરૂચ નગરપાલિકા કે ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં વરસાદી કાંસોની સફાઈ કર્યા બાદ પણ દર ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ સ્લમ વિસ્તાર હોય કે સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે.પરંતુ કાયમી વરસાદી પાણીના નિકાલની સમસ્યા કરવામાં આવે તે જરૂરી છે.
જોકે ગ્રામ પંચાયત અને ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ લાઈન અને બ્લોક ગટર બનાવવામાં આવી હોવાના કારણે ઘણા વિસ્તારો માંથી વરસાદી પાણીની સમસ્યા હલ થઈ હોવાનું પણ માનવામાં આવે છે.