Western Times News

Gujarati News

વંદે માતરમ અંડરપાસમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આગોતરુ આયોજન

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય છે. નીચાણવાળા વિસ્તારો ઉપરાંત શહેરના અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ જાય છે.

જેના કારણે અંડરપાસ બંધ કરવાની નોબત આવે છે તેથી આ વર્ષે કોર્પોરેશન દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહયા છે અને થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલ વંદે માતરમ અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટે પંપ મુકવામાં આવશે. આ ઉપરાંત નાના ચીલોડા વિસ્તારની સોસાયટીઓમાંથી સુએજનો નિકાલ કરવા માટે પણ ક્ષમતાવાળા પંપ નાંખવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપ બગડીયાના જણાવ્યા મુજબ શહેરના ઉત્તર પશ્વિમ ઝોનમાં આવેલ ચાંદલોડિયા ખોડિયાર બ્રોડગેજ રેલ્વે લાઇન લેવલ ક્રોસિંગ-૩ થી અંદાજીત ૩૦૦ મીટરના અંતરે રેલ્વે કી.મી. ૫૦૮/૧૩-૧૪ ઉપર ચાંદલોડિયા વિસ્તારમાં વંદે માતરમ ચાર રસ્તા શ્રીફળ એપાર્ટમેન્ટથી ગોતા એસ.જી. હાઇવે તરફ જતા રસ્તા ઉપર નવો અંડરપાસ બનાવવામાં આવ્યો છે.

ચોમાસાની ઋતુ દરમ્યાન આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના સમયે અન્ડરપાસમાં પાણી ભરાઇ જવાની શક્યતા છે. આવા સમય દરમ્યાન જાહેર વાહન-વ્યવહારને અસર થતી હોય છે. તેમજ આમ જનતાને અન્ય જગ્યાએથી અવરજવર કરવી પડતી હોય છે. જેથી ભારે વરસાદના સમયે પણ અંડરપાસમાંથી વાહન વ્યવહાર સતત ચાલુ રહે અને

આમ જનતાને તકલીફ ઓછી થાય તે માટે ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણીના નિકાલ માટે અ.મ્યુ.કો દ્વારા સ્ટ્રોર્મ વોટર પંમ્પીંગ સ્ટેશનોમાં ઈલેક્ટ્રો-મીકેનીકલ મશીનરી ના ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટીંગ તેમજ કમિશનીંગની કામગીરી તથા ઈલેક્ટ્રો-મીકેનીકલ એસેસરીઝના ૫ (પાંચ) વર્ષના ઓપરેશન તેમજ કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ વીથ સીકયુરીટી સાથેની કામગીરી કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

જેના કારણે ચોમાસાની ઋતુમાં અન્ડરપાસમાં ભરાયેલ પાણીનો ઝડપથી નિકાલ થતા ગોતા, એસ.જી. હાઇવે વિસ્તારના રહીશોને અંડરપાસનો ઉપયોગ કરવામાં અનુકુળતા રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા આ કામગીરી માટે રૂ.૩.૮૮ કરોડ ખર્ચ કરવામાં આવશે.

ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડના નાના ચિલોડા ટી.પી.નં.-૨૪૧ માં આવેલા પી.ટી.યુ.સુએજ પંપીગ સ્ટેશન ઔડા દ્વારા અ.મ્યુ.કોર્પોરેશનને સોંપવામાં આવ્યું છે. જેના ઈન્કેટમાં ૩ સબમર્સીલ પંપ સેટ ઇન્સ્ટોલ કરી સરદારનગર વોર્ડનાં નાના ચિલોડા વિસ્તારનાં આસપાસની સોસાયટીના સુએજનો નિકાલ કરવામાં આવે છે.

આ પંપીગ સ્ટેશનના હયાત સબમર્સીબલ પંપની એફીસીયન્સી ઓછી થઈ હોવાથી સુએજ પંપીગ સ્ટેશનની કાર્યક્ષમતા વધારવા જરૂરી ઈલેક્ટ્રો-મીકેનીકલ મશીનરી તથા ઇન્સ્ટ્રુમેન્ટસની એસ.આઈ. ટી.સી.ની ઓગમન્ટેશન કામગીરી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામ થયા બાદ સરદારનગર વોર્ડનાં નાના ચિલોડા વિસ્તારનાં આસપાસની સોસાયટીના સુએજનો ઝડપથી નિકાલ થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.