કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ દ્વારા ખેતીમાં ડ્રોનના ઉપયોગને લઈને જાગૃતિ કાર્યક્રમ તથા નિદર્શનો યોજાયા

માર્ચ મહિનામાં 15 જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના ખેતરમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કર્યો
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતો માટે ખેતીમાં ડ્રોનના ઉપયોગને લઈને જાગૃતિ કાર્યક્રમ તથા નિદર્શનો યોજાયા હતા.
આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ ખાતે કુલપતિ શ્રી ડો. કે.બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ એગ્રી.ડ્રોન પ્રોજેક્ટ અંડર સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનિઝેશન યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે ખેતીમાં ડ્રોનથી છંટકાવના પ્રત્યક્ષ નિદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે.
માર્ચ મહિના દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતા કુલ 15 ગામોના 15 જેટલા પ્રગતિશીલ ખેડૂતોની પસંદગી કરવામાં આવી કે જેઓ પોતાના ખેતરમાં ડ્રોન દ્વારા છંટકાવ કરવા સંમત થયા હતા. આ ખેડૂતોએ ખેતરમાં વિવિધ પાકો જેવા કે સુવા, ડાંગર, જીરું, ચણા તેમજ વરિયાળી વગેરે પાકોમાં જુદા જુદા દ્રાવણો જેવા કે સાગરિકા (દરિયાઈ શેવાળ), નેનો યુરિયા, નેનો ડી.એ.પી., ગોળ દૂધનું મિશ્રણ તેમજ જીવામૃતનો ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવ્યો હતો. આ નિદર્શન હેઠળ 40 એકર જેટલા વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. ડી.જે. રંગપરા (કૃષિ ઇજનેર તથા ડ્રોન પાઇલોટ) તેમજ વૈજ્ઞાનિક ડો. કે.એન. રાઠોડની ટીમ દ્વારા ખેડૂતોને ડ્રોનના ખેતીમાં પ્રયોગથી ખેતી ખર્ચ, સમય અને મજૂરી બચાવી ઓછા સમયમાં અસરકારક છંટકાવના ફાયદા સમજાવી સરકારની ડ્રોનથી છંટકાવ સંલગ્ન વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.