ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ એક થયા ૨૭ દેશો: ૨૫ ટકા જવાબી ટેરિફની ધમકી

(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ટેરિફ વોર શરુ કરી છે, તેનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ વિશ્વમાં કેટલાક દેશો એવા પણ છે જેણે ટ્રમ્પને ટ્રમ્પની સ્ટાઇલમાં જ ટક્કર આપવાનો પ્લાન બનાવી દીધો છે. ચીને અમેરિકાને આ મામલે પહેલા જ અરીસો દેખાડી દીધો છે.
અને હવે બીજી તરફ ૨૭ દેશોના ગ્રૂપ એટલે કે યુરોપીય આયોગે પણ ટ્રમ્પને ટક્કર આપવા માટે કમર કસી લીધી છે. એક સમાચાર એજન્સીએ જણાવ્યું કે, ઈયુએ સોમવારે કેટલીક અમેરિકન વસ્તુઓ પર ૨૫% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. એજન્સીએ દસ્તાવેજોનો હવાલો આપતાં કહ્યું કે, કેટલીક વસ્તુઓ પર ટેરિફ ૧૬ મેથી અમલમાં આવશે.
જોકે, કેટલીક અન્ય વસ્તુઓ પર પણ આ વર્ષથી ટેરિફ લાગુ થઈ જશે. તેમાં હીરા, ઈંડા, ડેન્ટલ ફ્લોસ, પોલ્ટ્રી સહિત અનેક વસ્તુઓ સામેલ છે. સભ્ય દેશો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ આ યાદીમાંથી કેટલીક વસ્તુઓ હટાવી દીધી હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
બદામ અને સોયાબીન પર ટેરિફ ડિસેમ્બરથી શરુ થશે. ઈયુના વેપાર પ્રમુખ મારોસ સેફકોવિકે સોમવારે કહ્યું કે, જવાબી ટેરિફની અસર અગાઉ જાહેર કરાયેલા ૨૬ બિલિયન યુરો (૨૮.૪૫ બિલિયન ડૉલર) કરતાં ઓછી હશે. માર્ચમાં તૈયાર કરાયેલી યાદીમાંથી બોરબન, વાઇન અને ડેરી ઉત્પાદનોને હટાવી દેવામાં આવ્યા છે.
કમિશને અગાઉ બોરબન પર ૫૦% ટેરિફ લાદવાની યોજના બનાવી હતી, ત્યારબાદ ટ્રમ્પે ઈયુના શરાબ પર ૨૦૦% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ફ્રાન્સ અને ઈટાલી ખાસ કરીને આ ખતરાથી ચિંતિત હતા કારણ કે તેમનો વાઇન ઉદ્યોગ ખૂબ મોટો છે.
આ ઉપરાંત ઈયુએ ૧ એપ્રિલથી સ્ટીલ પરના હાલના સલામતી નિયમો કડક કર્યા, જેનાથી આયાતમાં ૧૫% ઘટાડો થયો. કમિશન હવે એલ્યુમિનિયમ માટે આયાત ક્વોટા પર પણ વિચાર કરી રહ્યું છે. ઈયુસભ્ય દેશો ૯ એપ્રિલે આ પ્રસ્તાવ પર મતદાન કરશે. આ પગલું ટ્રમ્પના સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફ સામે ઈયુની વ્યૂહરચનાનો એક ભાગ છે. લોકો આને વેપાર યુદ્ધનો નવો અધ્યાય માની રહ્યા છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા છે કે, ‘અમેરિકાએ શરુઆત કરી, હવે યુરોપ તેનો જવાબ આપી રહ્યું છે,’ જ્યારે કેટલાક લોકો મજાકમાં બોલી રહ્યા છે કે, ‘ડેન્ટલ ફ્લોસ પણ ન છોડ્યો!’ આગળ શું થાય છે તે જોવાનું બાકી છે, પરંતુ હાલમાં તો બંને બાજુથી ટેરિફ યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.