નડિયાદમાં શ્રેયસ ગરનાળાથી ખોડીયાર ગરનાળાને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં

શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં પશ્ચિમ બાજુ શ્રેયસ ગરનાળાથી ખોડીયાર ગરનાળા તરફ જતો રોડ લાંબા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ રોડ ભારે ઉબડખાબડ છે આ ઉપરાંત કોઈ કામગીરીને લઇને ખોદકામ કર્યા બાદ રોડને સરખો કરવામાં ન આવતા અહીંયાથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે
એક અંદરે અંદાજે દૈનિક ૨ હજારથી વધુ લોકો આ માર્ગનો વપરાશ કરે છે. ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આ રોડના સમારકામની માગણી સાથે મહાનગરપાલિકાને રજૂઆત કરી છે નડિયાદ શહેરકોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, નડિયાદ શહેરના રેલવે સ્ટેશન પાછળ આવેલ આર.ટી.પટેલ માર્ગ જે શ્રેયસ ગરનાળાથી ખોડિયાર ગરનાળા વિસ્તારને જોડતો મહત્વનો માર્ગ છે.
આ માર્ગ પર આશરે ૨ વર્ષ પહેલા તંત્ર દ્વારા ખોદકામની કામગીરી કરવામાં આવી હતી. જે બાદ તેને વ્યવસ્થિત રીતે સ્થિતિમાં નહીં લાવતા આ માર્ગ મોટી માત્રામાં જર્જરિત સ્થિતીમાં ફેરવાયો છે. આ રસ્તા પર રહેણાંક સોસાયટી, હોસ્પિટલ અને શાળા આવેલી હોવાના કારણે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો પસાર થતા હોય છે.
જેમાં બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. હોસ્પિટલ હોવાના કારણે આ રસ્તા પરથી ઘણીવાર ૧૦૮ વાન પસાર થતી હોય છે. ત્યારે જર્જરિત માર્ગના કારણે વિસ્તારમાંથી પસાર થતા તમામ લોકોને હાલાકી વેઠવાની વારી આવી છે.
આ ઉપરાંત આ રસ્તા પર આવેલ ગટરોના ઢાંકણા પણ સાવ જર્જરિત અવસ્થામાં ફેરવાતા અકસ્માતની ભીતી પણ સર્જાઇ છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે. ત્યારે આ રસ્તાનુ નવિનિકરણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.