Western Times News

Gujarati News

બાંગ્લાદેશ હવે ભારતના માર્ગે વેપાર નહીં કરી શકે

નવી દિલ્હી, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારતના પૂર્વાત્તર રાજ્યો અંગે ચીનમાં જઇને કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી પછી ભારતે બાંગ્લાદેશ માટે ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી બંધ કરી દીધી છે.

આ ફેસિલિટી હેઠળ બાંગ્લાદેશ ભારતના પોર્ટ અને એરપોર્ટનો ઉપયોગ કરીને પડોશી દેશોમાં નિકાસ કરતું હતું અને તેને સમય અને ખર્ચની બચત થતી હતી.

આ સુવિધા પાછી ખેંચી લેવાથી બાંગ્લાદેશના નિકાસ અને આયાત લોજિસ્ટિક્સમાં વિક્ષેપ પડવાની ધારણા છે.ભારતના નિકાસકારો અને ખાસ કરીને એપેરેલ ક્ષેત્રની માગણીને પગલે ભારતે બાંગ્લાદેશને આ ફટકો માર્યાે છે. આ સુવિધાથી બાંગ્લાદેશ ભૂતાન, નેપાળ અને મ્યાનમાર જેવા દેશોમાં સરળતાથી નિકાસ કરી શકતું હતું. ભારતે જૂન ૨૦૨૦માં બાંગ્લાદેશ માટે આ સુવિધા ચાલુ કરી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના ૮ એપ્રિલના પરિપત્રમાં જણાવાયું હતુ કે ૨૯ જૂન, ૨૦૨૦ના રોજના પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં પહેલાથી જ પ્રવેશેલા કાર્ગાેને પરિપત્રમાં આપેલી પ્રક્રિયા અનુસાર ભારતીય પ્રદેશમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે.

યુનુસે ચીનમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કથિત રીતે કહ્યું હતું કે ભારતના પૂર્વ વિસ્તારના સેવન સિસ્ટર તરીકે ઓળખાતા સાત રાજ્યો લેન્ડલોક્ડ છે અને તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી. અમે સમુદ્ર (બંગાળની ખાડી)ના રક્ષક છીએ. તેમણે ચીનને આ માર્ગ દ્વારા વિશ્વભરમાં માલ મોકલવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. યુનુસના આ નિવેદનના ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં.

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દેશમાં લઘુમતીઓ અને ખાસ કરીને હિન્દુઓ પરના હુમલાઓને રોકવામાં નિષ્ફળ ગયા પછી ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં તિરાડ પડી છે.અમેરિકાએ ભારત અને બાંગ્લાદેશ સહિતના દેશો પર ભારે ટેરિફ લાદી છે ત્યારે ભારતે આ નિર્ણય કર્યાે છે. વેપાર નિષ્ણાતો અનુસાર ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી બંધ કરવાના આ નિર્ણયથી વસ્ત્રો, ફૂટવેર અને જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ભારતના ઘણા નિકાસ ક્ષેત્રોને મદદ મળશે. કાપડ ક્ષેત્રમાં બાંગ્લાદેશ ભારતનો મોટો હરીફ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.