મોટર એક્સિડન્ટમાં ઝડપી કેશલેસ સારવારનો અમલ નહીં થતાં સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

નવી દિલ્હી, મોટર એક્સિડન્ટમાં ઈજા પામેલા લોકો માટે કેશલેસ મેડિકલ સારવારની યોજનાનો અમલ નહીં કરવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે અને કેન્દ્રિય માર્ગ-વાહનવ્યાહર સચિવને આ મામલે ખુલાસો કરવા સમન્સ પાઠવ્યા છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ ૮ જાન્યુઆરીના રોજ હુકમ કર્યાે હોવા છતાં કેન્દ્ર દ્વારા તેનો અમલ નહીં થતા જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાની બેન્ચે કેન્દ્ર સરકાર સમક્ષ વાંધો ઊઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આપેલી સમયમર્યાદા ૧૫ માર્ચે પૂરી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, સુપ્રીમ કોર્ટે આપેલા હુકમોના ગંભીર અનાદર ઉપરાંત અત્યંત લાભદાયી કાયદાના અમલમાં પણ બેદરકારી છે.
કોર્ટના નિર્દેશોના પાલન નહીં કરવા બાબતે ખુલાસો કરવા માર્ગ અને વાહનવ્યવહારસચિવને વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે ઠરાવ્યુ હતું કે, ઉચ્ચ સરકારી અધિકારીઓને સમન્સ અપાય છે ત્યારે જ કોર્ટના હુકમને ગંભીરતાથી લેવામાં આવે છે.
સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનરજીએ દલીલ કરી હતી કે, આ યોજનાના અમલમાં કેટલીક સમસ્યાઓ છે. સુપ્રીમ કોર્ટે સરકારની આ દલીલને ફગાવી દેતાં ઠરાવ્યુ હતું કે, આ કાયદો સરકારનો છે અને કેશલેસ સારવારના અભાવે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ કાયદો સામાન્ય લોકોના ભલા માટેનો છે.
આ કેસમાં નોટિસ આપી છે અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. માર્ગ-વાહનવ્યહવહાર સચિવને ૨૮ એપ્રિલે સુનાવણી માટે ઉપસ્થિત રહેવા નિર્દેશ અપાયા છે. આ સાથે કોર્ટે તમામ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને લેખિતમાં સૂચના આપવા સચિવને નિર્દેશ આપ્યા છે, જે મુજબ હિટ એન્ડ રનના કેસની વિગતો જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલરના પોર્ટલ પર મૂકવી પડશે.
ઉલ્લેખનીય છે કે, મોટર વ્હિકલ એક્ટ, ૧૯૮૮ની કલમ મુજબ, મોટર એક્સિડન્ટના પીડિતોને ગોલ્ડન અવર દરમિયાન કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની હોય છે. આ કાયદા હેઠળ યોજના બનાવી સંખ્યાબંધ લોકોના જીવન બચાવવાની જરૂરિયાત પર ભાર મૂકી સુપ્રીમ કોર્ટે ૧૪ માર્ચ સુધીમાં ખુલાસો કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા, પરંતુ તેનો અમલ નહીં થતાં કેન્દ્રિય સચિવને સમન્સ મોકલાયા છે.SS1MS