Western Times News

Gujarati News

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની શાળાઓમાં શોર્ટ સર્કીટની સંભવિત ઘટનાઓ નિવારવા જરૂરી પગલાં લેવા સૂચના અપાઈ

‘સલામત શાળા, સુરક્ષિત ભવિષ્ય’ને ધ્યેયમંત્ર તરીકે સ્વીકારીને કામગીરી કરવા શાળાઓને અનુરોધ

જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય દ્વારા સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને અપાઈ સૂચના

હાલમાં ઉનાળાની ઋતુમાં સમગ્ર રાજ્યની સાથે અમદાવાદ જિલ્લામાં પણ હિટવેવની અસરો જોવા મળી રહી છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ ગ્રામ્ય દ્વારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની શાળાઓમાં શોર્ટ સર્કીટની સંભવિત ઘટનાઓ નિવારવા જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટ સહીત વિવિધ કારણોસર આગ લાગવાના બનાવો બનવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લાની સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને અગમચેતીના ભાગરૂપે શાળાના તમામ વીજ ઉપકરણો તેમજ સંપૂર્ણ વાયરીંગની ચકાસણી કરી લેવા અને શોર્ટ સર્કીટનો કોઈ બનાવ બનવા ન પામે તે માટે આગોતરી ચકાસણી કરી લેવા સૂચના આપવામાં આવી છે.

વધુમાં, શાળાઓમાં શોર્ટ સર્કિટ અટકાવવા માટે યોગ્ય વિદ્યુત પ્રણાલીની જાળવણી, સર્કિટ બ્રેકર અને ફ્યુઝનો ઉપયોગ, સારું ઇન્સ્યુલેશન અને ઓવરલોડિંગ સર્કિટ ઇત્યાદિ બાબતોની ચકાસણી કરીને જો કોઇપણ પ્રકારની ક્ષતિ જણાય તો તાત્કાલિક યોગ્ય રીપેરીંગ કરાવી લેવા પણ  જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

સાથે જ, શાળામાં ફાયર સેફટી સાધનો ચાલુ હાલતમાં હોય તેમજ તેની એક્સપાયરી તારીખની પણ ખાસ ચકાસણી કરી લેવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી છે. ‘સલામત શાળા, સુરક્ષિત ભવિષ્ય’ને ધ્યેયમંત્ર તરીકે સ્વીકારીને કામગીરી કરવા શાળાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.