Western Times News

Gujarati News

ગુજરાતની MSME ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે અમદાવાદમાં ગુણવત્તા યાત્રા યોજાઈ

ગુણવત્તા યાત્રામાં સહકાર અને લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ

ગુણવત્તા યાત્રા MSMEનેમેક ઈન ઇન્ડિયામાંથીમેડ વિથ એક્સેલન્સ ઇન ઇન્ડિયામાં પરિવર્તિત કરી શકે છે: મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

ગુણવત્તા યાત્રા ગુજરાતની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા વધારવાની સાથે ગુજરાતને વિકસિત ભારત @2047 માટે તૈયાર કરવાનો પ્રયાસ

અમદાવાદના ઓઢવમાં ગુજરાતના MSME ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા ગુજરાત સરકારના સહકાર અને લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ગુણવત્તા યાત્રા યોજાઈ હતી.

રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ઉદ્યોગસાહસિક ભાવના, જ્યારે ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલી હોય છે, ત્યારે તે આપણા MSMEને ‘મેક ઈન ઇન્ડિયા’માં ભાગ લેનારાઓમાંથી ‘મેડ વિથ એક્સેલન્સ ઇન ઇન્ડિયા’માં પરિવર્તિત કરી શકે છે, અને આ ગુણવત્તા યાત્રા ગૌરવ, ચોકસાઈ અને સંકલ્પ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.

આ ગુણવત્તા યાત્રામાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, ગુણવત્તા નિષ્ણાતો સરકારી અધિકારીઓએ સાથે મળીને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. ઉદ્યોગ સહયોગને મજબૂત બનાવવા અને ગુણવત્તા-કેન્દ્રિત વૃદ્ધિને વેગ આપવા માટે QCI (Quality Council of India), ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન(OIA), તેમજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(AMA) વચ્ચે વ્યૂહાત્મક સમજૂતી કરાર(MoU) પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.

આ ગુણવત્તા યાત્રા ગુજરાતની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા વધારવાનો પ્રયાસ કરે છે અને ગુણવત્તા, નવીનતા અને ટકાઉપણું તેના મૂળમાં સમાયેલ છે. વ્યવસાયોને યોગ્ય સાધનો અને જ્ઞાનથી સજ્જ કરીને, તે ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદન અને ઉદ્યોગસાહસિકતાના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

આ પ્રસંગે QCIના ચેરમેન શ્રી જક્ષય શાહે યાત્રા પાછળના પરિવર્તનશીલ વિઝન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ગુજરાત ગુણવત્તા યાત્રા માત્ર એક કાર્યક્રમ નથી, તે પાયાના સ્તરેથી ગુણવત્તાની સંસ્કૃતિને પ્રજ્વલિત કરવાની એક ચળવળ છે. MSME સાથે સીધા જોડાણ કરીને, અમે ગુણવત્તાને સુલભ, સસ્તું અને મહત્વાકાંક્ષી બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. ગુજરાતના નવીનતાના વારસા પાસે હવે એક નવું લક્ષ્ય છે; ‘ગુણવત્તામાં ભારતનું નેતૃત્વ કરવું, 2047 સુધીમાં વિકસિત ભારત માટે ગતિ નક્કી કરવી.’ આ ઉપરાંત સૌર અને નવીનીકરણીય ઊર્જા, રેલ્વે અને એરોસ્પેસ એન્જિનિયરિંગ, સંરક્ષણ, સેમિકન્ડક્ટર અને લિથિયમ-આયન બેટરી જેવાં નવાં ક્ષેત્રોમાં ગુજરાત અગ્રણી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે, તેથી ગુણવત્તા ખાતરી પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.

આ વર્કશોપમાં અનેક ટેકનિકલ સત્રોના સમાવેશ સાથે શ્રમ વિભાગ, DISH અને GeMના નિષ્ણાતો દ્વારા શ્રમ કલ્યાણ, સામાજિક સુરક્ષા, કૌશલ્ય વિકાસ અને GeM પ્રાપ્તિ પર ચર્ચા કરવામાં આવી હતી. QCI દ્વારા ઓફર કરવામાં આવતા આ ગુણવત્તાયુક્ત સાધનો અને સેવાઓ કાર્યકારી શ્રેષ્ઠતાને વેગ આપે છે. જેમાં ATIRA, પશ્ચિમ રેલ્વે, SAC-ISRO અને ગત્રાડ એવિએશનના નિષ્ણાતો દ્વારા ક્ષેત્ર-વિશિષ્ટ હસ્તક્ષેપો સામેલ છે તેમજ કેન્દ્ર સરકારના MSME મંત્રાલય અને ગુજરાત સરકારના MSME વિભાગના અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ સરકારી યોજનાઓ અને લાભોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં MSME માટે ZED, LEAN પ્રમાણપત્રો અને NABL માન્યતા પર હાઇલાઇટ્સ આપવામાં આવી હતી. BIS, GPCB અને FDCA દ્વારા મુખ્ય નિયમનકારી પાલન માર્ગદર્શન EQDC, ગાંધીનગર દ્વારા ઓફર કરવામાં આવતી ઉત્પાદન પરીક્ષણ અને આકલન સેવાઓની જાણકારી પણ આપવામાં આવી હતી.

આ ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં લગભગ 55 દિવસ સુધી ચાલુ રહેશે, જે સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીધામ, જામનગર, મોરબી, સિદ્ધપુર, અમરેલી અને આણંદ જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત 32 જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ યાત્રા રાજ્યભરના MSMEs માટે ZED, ISO અને LEAN જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન આપશે.

આ પહેલ ગુણવત્તાને રાષ્ટ્રવ્યાપી ચળવળ બનાવવાની અને ઉદ્યોગ અને નવીનતામાં પાવરહાઉસ બનવા તરફ ગુજરાત અને ભારતની સફરને ટેકો આપવાની QCIની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. આ ગુણવત્તા યાત્રા એ ગુણવત્તા શ્રેષ્ઠતાની સફરમાં એક નવી શરૂઆત છે

આ પ્રસંગે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ શ્રી જક્ષય શાહ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલા, ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (OIA)ના પ્રમુખ શ્રી મુકેશભાઈ વેકરિયા હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.