સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ ઘટ્યા

(એજન્સી)અમદાવાદ, એક તરફ મોંઘવારી વધી રહી છે, ઘરનો તમામ સામાન મોંઘો થઈ રહ્યો છે, ત્યારે હવે ગૃહિણી માટે સૌથી સારા સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો એક તરફ મોંઘવારી વધી રહી છે બીજી તરફ સતત ઘણા સમયથી તેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો.
આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, તેલના ભાવમાં ઘટાડો થયો છે. આ તરફ તેલના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ છે કે સરકારે ટેકાના ભાવે મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે હજી ગત સિઝનની મગફળી સ્ટોક હોવાથી ભાવ ઘટ્યા છે. વધતી જતી મોંઘવારી વચ્ચે ખાદ્યતેલના ભાવમાં કડાકો થયો છે.
સિંગતેલમાં રૂ.૫૦ અને કપાસિયા તેલના ભાવમાં રૂ. ૪૦નો ઘટાડો નોંધાયો છે. વિગતો મુજબ સિંગતેલના ૧૫ કિલો ડબ્બાનો ભાવ રૂ.૨૪૯૦ થયા છે જ્યારે કપાસિયા તેલના ૧૫ કિલો ડબ્બાનો ભાવ રૂ. ૨૨૨૦ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાયો છે.
મહત્વનું છે કે, ગરમીને કારણે ખાદ્યતેલની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે નવી મગફળીની બમ્પર આવક થતા ખાદ્યતેલના ભાવ ઘટ્યા છે. એક ચર્ચા મુજબ આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ ઘટે તેવી શકયતા છે.