Western Times News

Gujarati News

પ્લાસ્ટિક બેગ, દૂધની કોથળીઓ જેવા પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનશે વડોદરાનો સાધલી-સેગવા સ્ટેટ હાઈવે

AI Image

રૂ. ૧૦.૧૯ કરોડના ખર્ચે નિર્માણ થનારો આ વધુ ટકાઉ રોડ કરજણ અને શિનોર તાલુકાને જોડતો અગત્યનો માર્ગ

(માહિતી) વડોદરા, આગામી સમયમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં કુલ રૂ. ૧૦.૧૯ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવનારા સાધલીથી સેગવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. ત્યારે આ માર્ગ પર્યાવરણ માટે હાનિકારક એવા પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી બનવાનો છે, તે મહત્વપૂર્ણ છે.

આ રોડ કરજણ તાલુકો તેમજ શિનોર તાલુકાને જોડતો અગત્યનો માર્ગ છે. આ રસ્તો સેગવા ગામથી સાધલી ગામને જોડે છે. વધુમાં સાધલીથી સેગવા ગામ વચ્ચે આવતા અન્ય ગામો જેવા કે, અવાખલ, મીંઢોળ, માંજરોલ, તેરસા વગેરે ગામોના ઉપયોગમાં આવતો માર્ગ છે.

આ રસ્તા પર અવાખલ ગામ પાસે અને ફેકટરી પાસે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ સમસ્યા પણ હતી જેનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવ્યો છે. તેમ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી નૈનેષ નાયકાવાલાએ જણાવ્યું હતું.

રસ્તાની બનાવટમાં મહત્વની બાબત એ છે કે, સ્વચ્છતા હી સેવા અભિયાનની પહેલ અંતર્ગત રોડ બનાવવામાં પ્લાસ્ટીક વેસ્ટનો પણ ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા વર્ષ-૨૦૧૩માં વેરિંગ કોર્સમાં હોટ બિટ્યુમિનસ મિક્સ (ડ્રાય પ્રોસેસ) માં વેસ્ટ પ્લાસ્ટિકના ઉપયોગ કરવામાં આવે છે.

ભારત સહિત વિવિધ દેશોમાં જુદા જુદા સંશોધન જૂથો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયોગશાળા તપાસના પરિણામોના આધારે માર્ગ, વાહનવ્યવહાર અને હાઈવે મંત્રાલય દ્વારા માર્ગ નિર્માણમાં પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે.

પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી રોડ બનાવવાની કામગીરીમાં પ્લાસ્ટિક બેગ, દૂધની કોથળીઓ, કોસ્મેટિક, પેકિંગમાં વપરાતું, ઘરવખરીની વસ્તુઓમાં વપરાતું અને ડિટર્જન્ટમાં વપરાતા લો ડેન્સિટી પોલીથીન તથા ઉચ્ચ ઘનતાવાળા પોલીથેલિન થર્મોપ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

મહત્વનું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિક વેસ્ટ થકી આવા નિર્માણ કાર્યોમાં વધારે ઉપયોગ દ્વારા વિકસિત ભારત માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું વિઝન આપેલું છે. તેમના આ વિઝનને સાકાર કરવામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને અગ્રેસર બનાવવાના હેતુથી માર્ગ સુધારણા માટેના કામોમાં પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. પ્લાસ્ટિક વેસ્ટનો માર્ગ સુધારણા અને નવ નિર્માણમાં ઉપયોગ આવનારા દિવસોમાં પર્યાવરણ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ બનશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.