ગોધરાની કેટલીક સોસાયટીમાં દુષિત પાણીના પ્રશ્ને સ્થાનિકોમાં રોષ

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરની નિજાનંદ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દુષિત આવી રહ્યું છે. પાણીમાં દુર્ગંધ, ગંદકી અને અશુદ્ધતાના કારણે સ્થાનિક રહીશો તીવ્ર તકલીફનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં શુદ્ધ પાણી ન મળતા રહીશો મજબૂરીવશ મોંઘુ વેચાતું પાણી ખરીદીને પીવા મજબૂર બન્યા છે.
દૂષિત પાણીના કારણે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. કેટલાક લોકો ડાયેરિયા, તાવ અને ઉલ્ટી-ઝાડા જેવી બીમારીઓનો ભોગ બન્યા છે. આ સમસ્યા સામે સ્થાનિકોએ ગોધરા નગરપાલિકા સત્તાધીશોને અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ તેમ છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા ન હોવાનો રહીશો આક્ષેપ કરી રહ્યા છે.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, “અમે દરરોજ ચોખ્ખું પાણી મેળવવા માટે સંઘર્ષ કરીએ છીએ. પાલિકાએ આ મુદ્દે ગંભીરતાપૂર્વક પગલાં ભરવા જોઈએ. અમારી એક જ માંગ છે – અમને ચોખ્ખું અને પીવાનું યોગ્ય પાણી ઉપલબ્ધ કરાવું જોઈએ.”સોસાયટીના રહીશો હવે સંયમ ગુમાવી ચિમકી આપે છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો તેઓ નગરપાલિકા સામે આંદોલન કરશે.