Western Times News

Gujarati News

આણંદમાં રખડતા કૂતરાઓએ ૬૦ને બચકાં ભરી લીધાં

આણંદ, આણંદના મંગળપુરા વિસ્તારમાં છેલ્લા ૧પ દિવસથી રખડતાં શ્વાનોએ ૬૦થી વધુ લોકોને બચકાં ભરી ઘાયલ કરી આતંક મચાવ્યો છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો છે. આ બાબતે મહાનગર પાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે.

આણંદ શહેરના મંગળપુરા વિસ્તારમાં છેલ્લા ૧પ દિવસથી આરસીસી રોડ તેમજ આસપાસની વિવિધ સોસાયટીઓમાં રખડતા શ્વાનોએ ભારે આતંક મચાવ્યો છે. રોડ પરથી પસાર થતાં એકલ-દોકલ રાહદારીઓ પર શ્વાન હુમલો કરી બચકાં ભરી ઘાયલ કરી રહ્યો છે.

ખાસ કરીને રાત્રીના સમયે પણ અહીંથી પસાર થતાં શહેરીજનો ભય અનુભવી રહ્યા છે જેને લઈને સ્થાનિક લોકો પણ હવે ઘરની બહાર નીકળતા ડરના માર્યા બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેમને ફરજિયાત હાથમાં લાકડી લઈને બહાર નીકળવું પડે છે.

મંગળપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ સવારે ઘરેથી બહાર નીકળી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા શ્વાને વૃદ્ધાના પગમાં બચકું ભરી લેતા વૃદ્ધાએ બૂમાબૂમ કરી મૂકી હતી જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને શ્વાનના પંજામાંથી વૃદ્ધાને છોડાવવા પ્રયાસો કરતા ભારે જહેમત બાદ શ્વાનના મોંઢામાંથી વૃદ્ધાનો પગ છોડાવી શકાયો હતો.

અત્યાર સુધી આ શ્વાન દ્વારા ૮ વર્ષના બાળકથી લઈને ૭પ વર્ષના વૃદ્ધા સુધીના ૬૦થી વધુ લોકોને બચકા ભરી આતંક મચાવ્યો છે. આણંદ શહેરમાં આરએસએસએ નામની સંસ્થા દ્વારા થોડા સમય પહેલાં શહેરમાં રખડતા કૂતરાની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના તમામ ૧૩ વોર્ડમાંથી ૮૦૦૦ કરતા વધુ કૂતરા નોંધાયા હતા જ્યારે પાલતુ કૂતરાની વસ્તી ઓછી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.