ગાંધીનગર જિલ્લા કલેકટરે અચાનક દહેગામ મામલતદાર કચેરીની મુલાકાત કેમ લીધી?

જનસેવા કેન્દ્ર, આધાર કેન્દ્ર, ઈ-ધરા શાખા, સબરજીસ્ટ્રાર કચેરી તેમજ અન્ય શાખાઓની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની ચકાસણી કરી-જિલ્લા કલેકટર મેહુલ દવેએ દહેગામ મામલતદાર કચેરીની મુલાકાત લીધી
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના દરેક નાગરિકોનું જીવન સુવિધા યુક્ત બની રહે, તે માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.
આ યોજનાઓના લાભ માટે તથા અગત્યના ડોકયુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, રાશનકાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, લગ્નની નોંધણી વગેરે માટે નાગરિકો જનસેવા, આધાર વગેરે જેવી કેન્દ્રોની મુલાકાત વારંવાર લેતા હોય છે ત્યારે અરજદારોના કામ સરળતાથી થઈ શકે, અને હાજર કર્મચારીઓ અરજદારો પ્રત્યે સહાનુભૂતિ ભર્યું વલણ દાખવતા થાય તે આવશ્યક છે.
આ અનુસંધાને ગાંધીનગર કલેકટર મેહુલ કે. દવે દ્વારા મહિનામાં ઓછામાં ઓછી બેથી ચાર સરપ્રાઈઝ વિઝીટ કરી દરેક તાલુકામાં કામગીરીની આકસ્મિક ચકાસણી કરવામાં આવે છે. આ અંગે કલેકટર મેહુલ કે. દવે જણાવે છે કે, સરકારે જરૂરતમંદ નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવી છે.
આપણે આ યોજનાને જરૂરતમંદ સુધી પહોંચાડવાનું માધ્યમ માત્ર છીએ, અને જો આ કામગીરી પણ વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક ન થઈ શકે તો આપણે જે પદ પર છીએ તેના મૂળ ધ્યેયથી ભટકી રહ્યા છીએ તેમ સમજવું. સાથે જ સરકારી કચેરીઓમાં આવતા અરજદારો માટે પીવાના પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા પણ ખૂબ જ જરૂરી છે.
જિલ્લાના વડા તરીકે આ વ્યવસ્થાઓ યોગ્ય રીતે છે કે કેમ? અરજદારો કર્મચારીઓના કાર્ય તથા સરકારી વ્યવસ્થાથી સંતુષ્ટ છે કે નહી? કે પછી વ્યવસ્થામાં કોઈ સુધારની જરૂર છે આ બધું જ ચકાસવાની જવાબદારી કલેકટરશ્રી ખૂબ જ આયોજનપૂર્વક અને હદયથી નિભાવી રહ્યા છે ત્યારે આ જ સંદર્ભે કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા તા.૯ એપ્રિલ, ર૦રપના રોજ મામલતદાર કચેરી દહેગામની મુલાકાત લેવામાં આવી હતી
જે અન્વયે કચેરીના જનસેવા કેન્દ્ર, આધાર કેન્દ્ર, ઈ-ધરા શાખા, સબરજીસ્ટ્રાર કચેરી, તેમજ શાખાઓની રૂબરૂ મુલાકાત લઈ કલેકટરશ્રીએ અરજદારો સાથે કચેરીની કામગીરી બાબતે અધિકારી તથા કર્મચારી તરફથી મળતા પ્રતિસાદ બાબતે સંવાદ સાધ્યો હતો.
આ સંવાદ થકી અરજદારો તરફથી હકારાત્મક અભિગમ અને સારો પ્રતિસાદ મળતા કલેકટર દ્વારા ખુશી વ્યકત કરવામાં આવી હતી સાથે જ અતિશય ગરમીની ગંભીરતાને ધ્યાને લેતા સબ રજીસ્ટ્રાર કચેરી તેમજ મામલતદાર કચેરીમાં અરજદારોની બેઠક વ્યવસ્થામાં સુધારો કરવા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા રાખવા જરૂરી સુચના આપવા સાથે કચેરીના કર્મચારીઓ સમયસર કચેરીમાં હાજરી આપે તે અંગે પણ ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, દહેગામ મામલતદાર હેતલબા ચાવડા પણ કલેકટર સાથે જોડાયા હતા.