મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નીકળી ગોધરામાં

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત જૈન સમાજ દ્વારા મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રા શહેરના જૈન દેરાસર ખાતેથી શરુ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.
શોભાયાત્રાની ગોધરાના જૈન દેરાસરથી પ્રસ્થાન કરી જહુરપૂરા, શહેરા ભાગોળ, હોળી ચકલા, સીટી બેન્ક, નવા બજાર, પોલીસ ચોકી નંબર.૧ થઈને નિજ જૈન દેરાસર પાસે પરત ફરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ભગવાનના રથ સાથે શોભાયાત્રા યોજાઈ હતી. જે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ જૈન સમાજ દ્વારા આખો દિવસ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવશે.
આ શોભાયાત્રા દરમિયાન જૈન સંપ્રદાયના લોકો દ્વારા ગોધરા હોળી ચકલા પાસે બેન્ડ વાજાના સથવારે ગરબા રમાડવામાં આવ્યા હતા અને આ ઉપરાંત જૈન સમાજ દ્વારા એકબીજાને મહાવીર જયંતિની શુભકામનાઓ પાઠવી હતી અને એકબીજાના મોં મીઠા કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.