એક સપ્તાહ પહેલા શરુ થયેલી નડિયાદ સીટી બસ સેવા કોઈ ટેકનીકલ કારણોસર બંધ થઈ ગઈ

નડિયાદમાં સીટી બસ દોડાવવા ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર -નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની એવી માંગણી છે કે હાલમાં કમસેકમ બે સીટી બસ હંગામી ધોરણે ચાલુ કરવામાં આવે.
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ કોર્પોરેશન બન્યાના એક સપ્તાહ પહેલા શરુ થયેલી સીટી બસ સેવા કોઈ ટેકનીકલ કારણોસર બંધ થઈ ગઈ હતી. જેને લાંબા દિવસો વિતવા છતાં ચાલુ ન કરવામાં આવતા નડિયાદ શહેરના નગરજનોમાં રોષ ભભૂક્યો છે.
સીટી બસ સેવાથી વંચિત સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ ઘણી મુશ્કેલીમાં છે. ત્યારે આ સીટી બસ સેવા પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગણી સાથે પશ્ચિમ નાગરિક સમિતિએ આજે મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે.
નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઇ નકુમે ડેપ્યુટી કમિશનર રૂદ્રેશભાઈ હુદડને આપેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૩મા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ ૩૨ બસોની મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત સીટી બસ ચલાવવાનો તમામ ખર્ચ સરકાર દ્વારા ચાર હપ્તાહમાં નગરપાલિકાને ચુકવી આપવાનો આદેશ હતો. જે બાદ બે વર્ષથી વધારે સમય વીતવા છતાં નડિયાદના નાગરિકો માટે આ સિટી બસની સુવિધા મળતી ન હતી.
આ વચ્ચે ડિસેમ્બર ૨૦૨૪ના છેલ્લા સપ્તાહમાં નડિયાદમાં પાંચ જેટલી સીટી બસ શરૂ કરવામાં આવી હતી. જેનુ હંગામી ધોરણે બસ સ્ટેન્ડ રેલ્વે સ્ટેશન સામે કેબીન નાખી ઉભુ કરવામાં આવ્યું હતું.જાકે આ સિટી બસ સેવા શરૂ થઈ હતી તેમજ તે સમયે જવા આવવાના કોઈપણ પ્રકારના ટાઈમ જનતા માટે જાહેર કરવામાં આવ્યા ન હતા. જેથી નગરજનો વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને સિનિયર સિટીઝન ઘણા બધા દ્રિતામા મુકાય હતા.
બીજી બાજુ જાન્યુઆરી ૨૦૨૫ માં નડિયાદ પાલિકા મહાનગરપાલિકામાં ફેરવાઈ હતી ત્યારે પ્રજાને એવી આશા હતી કે હવે નડિયાદમાં સીટી બસ સુવિધા લોકોને વધુ અસરકારક મળશે પરંતુ થોડા સમયમાં જ આ સિટી બસ સુવિધા છીનવાઈ ગઈ હતી લગભગ ૨ માસથી આ સીટી બસ સેવા પર બ્રેક વાગી છે.
પાર્સીગના અભાવે રસ્તા પર દોડતી સીટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો અને જે તે એજન્સીને આખરી નોટિસ પણ આપી દીધી હતી. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની એવી માંગણી છે કે હાલમાં કમસેકમ બે સીટી બસ હંગામી ધોરણે ચાલુ કરવામાં આવે.