Western Times News

Gujarati News

વડોદરામાં BJPના કાઉન્સિલરના પતિએ થપ્પડ મારતા એન્જિનિયરોની હડતાળ

AI Image

પાણીની સમસ્યાનો હલ લાવવા એન્જિનિયર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી

વડોદરા, વડોદરાના વોર્ડ નંબર પાંચના મહિલા કાઉન્સિલરના પતિએ એક તબક્કે તો એન્જિનિયરને થપ્પડ ચોંટી દઈને દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ લગાવીને એન્જિનિયરોએ પોલીસ ફરિયાદ કરીને હડતાળ શરૂ કરી દીધી હોવાની ઘટના બની હતી.

પાણીની સમસ્યાના મુદ્દે વોર્ડના એન્જિનિયરની સાથે ચર્ચા કરવા માટે પહોંચેલા મહિલા કાઉન્સિલર અને એન્જિનિયર વચ્ચેની ઉગ્ર ચર્ચાનો વીડિયો ઉતારવાના મુદ્દે તડાફડી થઈ ગઈ હતી. આ તબક્કે અન્ય વિસ્તારના આવી પહોંચેલા એન્જિનિયરને થપ્પડ ખાવી પડી હોવાનું બહાર આવ્યું હતું.

વડોદરા શહેરના વોર્ડ નંબર પાંચમાં સમાવેશ વિસ્તારોમાં પાણીની સમસ્યા અંગે કોર્પોરેશનના કર્મચારી અને કાઉન્સિલર વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. કોર્પોરેશનના એએઈ કક્ષાના એન્જિનિયર સાગર મિસ્ત્રીને વોર્ડ નંબર પાંચના મહિલા કાઉન્સિલર પ્રફુલાબેન જેઠવાના પતિ રાજુભાઈ જેઠવાએ શાબ્દિક ઘર્ષણ બાદ લાફો માર્યો હોવાના આક્ષેપ થયા છે.

આ અંગે પૂર્વ ઝોન ડેપ્યુટી એન્જિનિયર મિતેષ પટેલે જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું હોય અમિત નગર સર્કલ નજીક ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. તે સમયે પ્રફુલાબેને મને ફોન કરી કહ્યું હતું કે, તમે બધું કામ છોડી સરદાર એસ્ટેટ આવી જાવ.

ત્યારબાદ તેઓ અમિતનગર ખાતે આવી પાણીના ટેન્કર બાબતે માથાકૂટ કરી હતી. ખોટા આરોપ લગાવી ઉંધતાઈભર્યું વર્તન કરી સહ એન્જિનિયરને લાફો માર્યો છે જેથી પાણી પુરવઠા શાખાના તમામ એન્જિનિયર આજે હડતાળ પર ઉતર્યા છે અને કારોલીબાગ પોલીસ મથકે મહિલા કાઉન્સિલરના પતિ વિરૂદ્ધ કાર્યવાહી માટેની અરજી આપી છે.

પાલિકાના અધિકારી વોર્ડ પ ગટર સંબંધિત સમસ્યા અંગે તેમની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે કાઉન્સિલર અને તેમના પતિ સાથે વિસ્તારના ત્રણ-ચાર લોકો સ્થળ પર આવી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે કોઈક વાતને લઈને મહિલા કાઉન્સિલર અધિકારીઓ ઉપર પોતાની ઢોસ જમાવતા હોય અધિકારીઓને સ્થળ પર ધમકાવ્યા હતા ત્યારે અધિકારીઓએ જણાવેલું મેડક અમને અમારું કામ ખબર છે તેમ કહેતા વાત ઉગ્ર થઈ ગઈ હતી.

ત્યારે કાઉન્સિલરના પતિને ગુસ્સો આવી જતાં તેણે અધિકારીઓ જોડે ગેરવર્તણૂંક કરી હતી અને ત્યારબાદ હાથાપાઈ પણ થઈ હતી. ઉપરાંત કાઉન્સિલરના પતિએ અધિકારીને થપ્પડ મારી દીધી હતી ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા જેમાં અધિકારીના શર્ટના બટન પણ તૂટી ગયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.