GST પોર્ટલ પર બેંક ખાતા અને સરનામાની વિગતો આપવામાં નહીં આવે તો હવે દંડ થશે

સુરત, જીએસટી પોર્ટલ પર વેપારીઓ દ્વારા બેન્ક ખાતાની વિગતો તેમજ ઓફિસ, ગોડાઉન સહિતના સ્થળોના સરનામાની વિગતો આપવામાં નહીં આવે તો પ૦ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવનાર છે તેના માટે કરદાતાઓને ૧પ દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે. ૧પ દિવસના સમયગાળામાં જીએસટી પોર્ટલ પર બેન્ક ખાતા અને સરનામાની વિગતો રજૂ કરવાની રહેશે.
જીએસટી પોર્ટલ પર ૧પ દિવસમાં બેંક ખાતા અને ઓફિસ, દુકાન, ગોડાઉન સહિતના સ્થળના સરનામા રજૂ કરવાના રહેશે. આ માટે આગામી દિવસોમાં વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. તેના ભાગરૂપે વિગતો રજૂ કરવા માટે ૧પ દિવસનો સમય આપવામાં આવ્યો છે. તે દરમિયાન તમામે પોતાની વિગતો પોર્ટલ પર ચકાસી લેવાની રહેશ.
જો વિગતો આપવામાં નહીં આવી હોય તો પ૦ હજાર રૂપિયિા સુધીનો દંડ પણ વસૂલ કરવામાં આવનાર છે. જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ નંબર લેવામાં આવતો હતો ત્યારે આવી વિગતો રજૂ કરવામાં આવતી નહોતી. ત્યારબાદ તેમાં સુધારો કરદાતાઓ વિગતો અપલોડ કરતા રહેતા હતા પરંતુ હજુ પણ અનેક કરદાતાઓએ બેન્ક ખાતા અને સરનામા આપ્યા નથી.
આ માટે વખતો વખત તાકીદ કરવામાં આવ્યા બાદ પણ કાર્યવાહીને ગંભીરતાથી લેવામાં આવતી નહીં હોવાના કારણે જ હવે પ૦ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવાનો નિયમ લાવવામાં આવ્યો છે. સાથે સાથે કેટલાક વેપારીઓ દુકાન, ઓફિસ કે ગોડાઉનનું સ્થળ બદલ્યું હોય તેવા સંજોગોમાં વિગતો અપલોડ કરતા નહોતા.
તેના લીધે પણ જીએસટી વિભાગ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે સમસ્યા ઊભી થતી હતી. આ ઉપરાંત ઈ-વે બિલમાં પણ તકલીફ પડતી હતી. આ તમામ સમસ્યાના નિવારણ માટે જ બેન્ક ખાતા અને સરનામા રજૂ કરવા માટે કરદાતાઓને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.