Western Times News

Gujarati News

લીમડિયામાં ઘરમાં ૫૦૦ના દરની નકલી નોટો છાપવાનાં ગોરખધંધાનો પર્દાફાશ

દાહોદ, દાહોદ જિલ્લાના સરહદી રાજસ્થાનમાં નકલી નોટો છાપવાનું મોટા કૌભાંડમાં હાલ સુધી ૧૧ લોકોની ધરપકડ કરાઇ છે ત્યારે આ નોટો દાહોદમાં પણ છપાઇ હોવાના ઘટસ્ફોટ બાદ એક્શનમાં આવેલી દાહોદ પોલીસે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં ઘરમાં નકલી નોટો છાપવાનો ગોરખધંધો ઝડપી પાડ્યો છે.

ઘરમાંથી સિક્યુરીટી થ્રેડ પિન્ટ કરેલા, કાળી પટ્ટી વાળા અને નોટો પ્રિન્ટ કરેલા કાગળો મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.આ મામલે ઘર માલિક દંપતિના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે જ્યારે આ ગોરખધંધામાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવનાર છાલોર,વાંગડ અને પેથાપુર ગામના અન્ય ત્રણ યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર પાડોશી રાજ્ય રાજસ્થાનના બાંસવાડામાં જિલ્લામાં નકલી નોટો છાપવાના પ્રકરણ બાદ દાહોદ પોલીસે મેદાને આવીને ચાર શંકાસ્પદ નંબરો ટ્રેસ કર્યા હતાં.તેમાં ફતેપુરા તાલુકાના લીમડિયા ગામના માંડલી ફળિયામાં રહેતાં કાનજી ગરાસિયાના નંબરના આધારે તેના ઘરે છાપો મારતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

અહીંથી પોલીસને ૫૦૦ના દરની ચલણી નોટ ઉપર જોવા મળતાં લીલી પટ્ટી વાળા સિક્યુરીટી થ્રેડ પિન્ટ કરેલા ૧૪૩ કાગળો સાથે કાળા રંગની તુટ્ટક પટ્ટી પ્રિન્ટ કરેલા અન્ય ૩૩૨ ઝેરોક્ષ કાગળો મળ્યા હતાં.

આ સાથે ૫૦૦ના દરની ૪૨ નોટો પ્રિન્ટ કરેલા ૧૪ કાગળો પણ મળી આવ્યા હતાં. આ મામલે પોલીસે કાનજી ગરાસિયા અને આ ગોરખધંધમાં શામેલ તેની પત્ની અશ્વિનાબેનની ધરપકડ કરી હતી.આ બંનેની ઘનિષ્ઠ પુછપરછ કરતાં અર્થતંત્રને ખોરવવાના આ કૌભાંડમાં શામેલ અન્ય લોકોના નામ સામે આવ્યા હતાં.

આ મામલે ગુનો દાખલ કર્યા બાદ ગુરુવારની સાંજે પોલીસે દંપતિને કોર્ટમાં રજૂ કરીને તેમના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સાથે પોલીસે ટીમો બનાવીને નકલી નોટો છાપવામાં વિવિધ ભૂમિકા ભજવનારા ફતેપુરા તાલુકાના છાલોર ગામના નિશાળ ફળિયાના મુકેશ કામોળ, વાંગડા ગામના નદી ફળિયાના રાકેશ પારગી અને ઝાલોદના પેથાપુર ગામના તળ ફળિયાના હરિશચંદ્રની પણ ધરપકડ કરી લીધી હતી. નકલી નોટો છાપવાના આ દાહોદ જિલ્લામાં ચાલતા આ ગોરખધંધાથી ભારે ખળભળાટ મચી ગયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.