કડીમાં લગ્નના ૧૩ દિવસ બાદ દુલ્હન ઘરમાંથી રોકડ-દાગીના ચોરી રફુચક્કર

મહેસાણા, કડીમાં રહેતા યુવાનને મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરી અપાવવા પેટે વચોટિયાઓએ રૂ. બે લાખ લઈ અને લગ્નના તેર દિવસ બાદ ઘરમાંથી રૂ. એક લાખ તથા દાગીના લઈ દુલ્હન રફુચક્કર થઈ ગઈ હતી. કડી પોલીસ મથકે ૭ સામે ગુનો નોંધાયો છે.
કડીના કલ્યાણપુરા રોડ પર અષ્ટવિનાયક રેસીડન્સીમાં પરિવાર સાથે રહેતા ૩૫ વર્ષિય નીતિનકુમાર પટેલના લગ્ન માટે તેમના પિતા રાજેન્દ્રભાઈને નાનીકડીની આશીર્વાદ રેસીડન્સીમાં રહેતા નરસિંહ પ્રહલાદભાઈ પટેલ અને પત્ની વૈશાલીએ મહારાષ્ટ્રના થાણેના માજીવડા રોડ પર આવેલ રીદ્ધી-સીદ્ધી એપાર્ટમેન્ટમાં રહેતી વૃષાલી અરૂણ પરાડની વાત કરી હતી.
ત્યારબાદ બન્ને પક્ષે સહમતી બાદ ગત ૮મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ કડીના ભવપુરામાં આવેલ ઉમિયા માતાના મંદિરમાં યુવતીના પરિચિત સુનીતા દીલીપ સાલ્વેની હાજરીમાં બંનેનાં લગ્ન થયાં હતાં. આ લગ્નના ખર્ચ પેટે રૂ. બે લાખ આપી કરાર લેખ પણ કરાવ્યો હતો.
મહારાષ્ટ્રની દુલ્હન લગ્નના તેર દિવસ નીતિનકુમાર પાસે રહ્યા બાદ તક મળતાં ઘરમાંથી રૂ. એક લાખ તથા દાગીના લઈ વતનમાં રફુચક્કર થઈ ગઈ હતી. નીતિનભાઈના પિતાએ કોયડાના બળદેવભાઈને મધ્યસ્થી કરવા રૂ.૨૫ હજાર અને ત્યારબાદ સમાધાન કરી કાયદાકીય છુટ્ટાછેડા લેવા વકીલ ભરત ચાવડા અને ભાવેશ રાઠોડે નિયત ફી લઈ સામાવાળા પાસેથી રૂ. ત્રણ લાખ અપાવવાનો વાયદો કર્યાે હતો.
પરંતુ, કન્યા કે નાણાં પરત ન મળતાં છેતરપિંડીનો ભોગ બનનાર નીતિનકુમારે કડી પોલીસ મથકે નાનીકડીની આશીર્વાદ રેસીડન્સીમાં રહેતા નરસિંહભાઈ પ્રહલાદભાઈ પટેલ અને પત્ની વૈશાલી નરસિંહભાઈ પટેલ, વૃષાલી અરૂણ પરાડ (રિદ્ધી-સિદ્ધી એપાર્ટમેન્ટ, માજીવડા રોડ, થાણે, મહારાષ્ટ્ર), સુનીતા દીલીપ સાલ્વે, બળદેવ પટેલ, ભરત ચાવડા તેમજ ભાવેશ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.SS1MS