શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો શ્રી કષ્ટભંજન દેવને

(એજન્સી)સાળંગપુર, સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે આવેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને (૧૧ એપ્રિલ ૨૦૨૫) શ્રીલંકાથી મંગાવેલા વિવિધ જાતના ફૂલો અને સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો. આજે સવારે ૫ઃ૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
વારે ૭ઃ૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના સિંહાસનને શ્રીલંકાથી મંગાવેલા ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તેમજ થાઈલૅન્ડથી દાદા માટે ફૂલોનો હાર મંગાવવામાં આવ્યો હતો.
દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રૂટ ધરાવવામાં આવ્યા હતા. ૨૦૦ કિલો સેવંતીના મીક્સ ફૂલનો શણગાર, ૧૦૦૮ કિલો પુષ્પોથી પુષ્પવર્ષા, ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરાવાયો, ૧૦૦૮ મંત્રોચ્ચારથી દાદાનું ભવ્ય પૂજન પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપન્ન થયું હતું. હજારો ભક્તોએ દાદાની દિવ્ય આરતી પ્રત્યક્ષ તેમજ ઓનલાઇન લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.મહત્ત્વનું છે કે શ્રી સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.
ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાના ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુર ધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે.
ત્યારબાદ પ્રાંતિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે. જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહિત વિવિધ સંગીતના સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.
૧૦૦ કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે. આ રીતે રાજોપચાર પૂજા આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. રાજોપચાર પૂજન પવિત્ર તહેવારો, તિથી કે ઉત્સવ દરમિયાન ઊજવવામાં આવે છે. ઘણી વખત ભક્તોના સંકલ્પ પ્રમાણે અનુકૂળ તારીખોમાં પણ આ રાજોપચાર પૂજન કરવામાં આવે છે.