BJPના નવનિયુક્ત ગઢડા તાલુકા પ્રમુખનું રાજીનામું માંગતા ચકચાર

ગઢડા, ગઢડા (સ્વામીના) તાલુકા ભાજપ પ્રમુખ તરીકે તાજેતરમાં નિમણુક પામેલા પ્રકાશભાઈ વશરામભાઈ સાંકળિયાનું પાર્ટીએ અચાનક રાજીનામું માગતા ચકચાર સાથે રાજકીય ચણભણાટ શરૂ થયો છે. આ રાજીનામા બાબતે પાર્ટી તરફથી ચોકકસ કારણ જાહેર નહી કરાતા જુદી જુદી અટકળો વહેતી થવા પામી છે.
રાજીનામાના રાજકારણ માટે ચાલી રહેલી ચર્ચાઓ અને જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ દિવસ પહેલા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા નવ નિયુકત ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયાને પ્રદેશની સૂચના હોવાથી હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેવા જણાવાયું હતું.
આ મુદ્દે બીજી તરફ તાલુકા ભાજપ પ્રમુખનો સંપર્ક કરતા પાર્ટીએ રાજીનામું માગ્યું હોવાનું અને કારણમાં ચાર દિવસ પહેલા સંઘ અને ભાજપ સાથે જોડાયેલા દિગ્ગજ નેતા સંજયભાઈ જોષીને વ્યકિતગત સંબંધના દાવે સોશિયલ મીડિયા મારફતે જન્મ દિવસની આપેલી શુભેચ્છા કારણભૂત હોવાનું જણાવી પાર્ટીએ મૌખિક સૂચના આપી રાજીનામુ માગ્યું હોવાનું જણાવ્યું હતું.
જયારે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલનો સંપર્ક કરતા રાજીનામુ માગ્યુ હોવાની વાતને પુષ્ટિ આપી રાજીનામુ માંગવા માટેનું કોઈ સ્પષ્ટ કારણ જણાવવાનું ટાળી પ્રદેશની સૂચના હોવાનું જણાવ્યું હતું.