સગીરા પર રેપ કરનાર સાવકા પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

જામનગર જિલ્લાનો આરોપી ૩ વર્ષથી સગીરાને ધમકી આપી બળાત્કાર ગુજારતો હતો
ગાંધીનગર, સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર સાવકા પિતાને કલોલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. કલોલમાં રહેતો અને મુળ જામનગર જિલ્લાનો આરોપી ૩ વર્ષથી સગીરાને ધમકી આપી તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતો હતો.
આરોપી મૂળ જામનગર જિલ્લાનો અને હાલ કલોલ તાલુકાના એક ગામમાં રહેતો હતો. આરોપીએ ત્રણ વર્ષમાં સમય દરમિયાન સગીરાની એકલતાનો લાભ લઈ, ફોસલાવી, ડરાવી, ધમકાવી અને તેની બહેનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી તે પછી ગર્ભ પડાવી દેવાની લાલચ આપી કચ્છના ગાંધીધામ તાલુકાના પડાણા ગામે લઈ જઈ
મકાન ભાડે રાખી સગીરા સાથે શરીર સંબંધ બાંધી ગુનો આચર્યો હોવાની ફરિયાદ કલોલ શહેર પોલીસ મથકમાં નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કલોલ કોર્ટમાં પોકસોના કેસ તરીકે ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસ કલોલના એડિશનલ સેશન્સ જજ ડી.વી.શાહની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફે સરકારી વકીલ રાકેશ પટેલે આરોપીએ ગંભીર ગુનો આચર્યો હોવાથી સમાજમાં દાખલો બેસે તેવા હેતુથી
આરોપીને સખતમાં સખત સજા અને દંડ કરવા રજૂઆત કરી હતી તેના આધારે કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા એટલે કે કુદરતી આયુષ્ય સુધી શખ્ત કેદની સજા અને ફંડ ફટકારતો હુકમ કર્યો હતો.
આ કેસમાં ગુજરાત વિકટીમ કંમ્પેસેશન સ્કીમ ર૦૧૯ના પેરા-૧૧ (૩)માં કરવામાં આવેલી જોગવાઈને આધીન ભોગ બનનારને વળતર પેટે રૂ.૭,૦૦,૦૦૦ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે
તેમજ કુદરતી આયુષ્ય સુધીની સખત કેદની સજા તથા આરોપીને ઉપરોકત તમામ શિક્ષાપાત્ર ગુના સંદર્ભે સંયુક્ત રીતે રૂપિયા અંકે રૂપિયા એક લાખનો દંડ અને જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ કરાયો છે અને આરોપી દંડની રકમ ભર્યેથી તેમાંથી રૂપિયા પચાસ હજાર ભોગ બનનારને તબીબી ખર્ચ તેમજ પુનર્વસન માટે ચુકવવાનો હુકમ તા.૯ એપ્રિલ, ર૦રપના રોજ કરવામાં આવ્યો છે.