બાળકોને તમારા ગંદા રાજકારણમાં ન ખેંચો- વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી રાજકીય સ્ટન્ટબાજી કરશો નહીં – રાજ્ય શિક્ષણ મંત્રી

એન્ટી સોશિયલ અને નિષ્ફળ નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં નકલી બોર્ડ પરિણામોને લઈ વિધાર્થીઓ સાથે છેતરપિંડીનો ઘિનાવટો પ્રયાસ – રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
ખોટી માહિતી ફેલાવીને બાળકોના મનોબળ સાથે છેડછાડ કરવી અને પેરેન્ટ્સમાં ભયનું વાતાવરણ સર્જવાનો અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલનો આ પ્રયાસ સંપૂર્ણપણે નિંદનીય છે – રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
હકીકતમાં, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામો હજી સુધી જાહેર કરાયા નથી.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં કેટલાક નિષ્ફળ નેતાઓ દ્વારા ગુજરાત બોર્ડના પરિણામોને લઈને ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાનો દુષ્પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના સંદર્ભે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરિણામ હજી જાહેર થયાં નથી, છતાં અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓએ જૂઠાણું ફેલાવી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ભ્રમ અને ભયનું વાતાવરણ ઊભું કરવાનું કામ કર્યું છે.
આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, “વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રાજકીય રોટલા શેકવાની કોશિશ અત્યંત નિંદનીય છે. ગુજરાત અને દેશની જનતા જાગૃત છે અને આવી ખોટી વાતોને સ્વીકારી લેતી નથી, માટે જ આવા નકલી નેતાઓને જાગૃત મતદારો દ્વારા સમગ્ર દેશમાં જાકારો મળ્યો છે”
શ્રી પાનશેરીયાએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દૃઢ નેતૃત્વમાં રાજ્યમાં શિક્ષણક્ષેત્રે સિસ્ટમેટિક સુધારાઓ લાવ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, ટેકનોલોજી આધારિત શીખવાની સુવિધાઓ અને પાયાનું માળખાગત મજબૂતીકરણ મળ્યું છે.
તેમણે સ્પષ્ટ રીતે ઉમેર્યું કે, “શિક્ષણ એ રાજકારણથી ઉપર છે. ગુજરાતના વિદ્યાર્થી મેરિટ અને મહેનતથી આગળ વધી રહ્યા છે. દેશમાં પોતાના રાજકીય એજન્ડાને આગળ ધપાવા માટે કેટલાક “પહેરાધારી ઈમાનદાર” એન્ટી સોશિયલ અને રાષ્ટ્ર વિરોધી નેતાઓ નકલી પરિણામો સોશિયલ મીડિયા પર શેર કરીને બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે. બાળકોના ભાવિ સાથે ખોટી માહિતી દ્વારા રમત રમવી ઘાતક છે.
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે શિક્ષણ બોર્ડ પોતાનું કાર્ય સંપૂર્ણ પારદર્શકતા અને જવાબદારી સાથે કરે છે. વાસ્તવિક બોર્ડ પરિણામો યોગ્ય સમયે બોર્ડની અધિકૃત વેબસાઇટ અને અધિકારીક માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવશે. અમે દરેક વિદ્યાર્થી, પેરેન્ટ અને શિક્ષક સમાજને વિનંતી કરીએ છીએ કે ખોટા સમાચારથી સતર્ક રહે અને માત્ર અધિકૃત સૂત્રો પર જ વિશ્વાસ રાખે.