Western Times News

Gujarati News

માં-બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ 151 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ ચકલાસીમાં યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ ૧૫૧ દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન હેઠળ આપણે સૌએ સમાજના તમામ વર્ગોના ઉત્થાનની સંકલ્પનાને ચરિતાર્થ કરવાનો સહિયારો પ્રયાસ કરવાનો છે.

મુખ્યમંત્રી સમૂહ લગ્નના ઉત્કૃષ્ટ અને સુંદર આયોજન બદલ બંને ધારાસભ્યો સહિતના અન્ય ટ્રસ્ટીઓને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે અત્યારના સમયમાં લગ્ન એ માત્ર સામાજિક પ્રસંગ નહીં પણ આર્થિક જવાબદારી છે ત્યારે સમૂહ લગ્ન પ્રથા આર્થિક જવાબદારીના નિર્વહન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા દ્વારા આયોજિત અને શિવાજી ફાઉન્ડેશન અને માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમાં ૧૫૧ નવદંપતિઓએ પ્રભુતામાં ડગ માંડ્‌યા હતા. મુખ્ય મંત્રી એ ઉમેર્યું કે સાત ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મામેરુ યોજનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળ્યું છે અને છેલ્લા ચાર વર્ષમાં બે લાખથી વધુ દીકરીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે.

મુખ્ય મંત્રી એ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મહિડાને અનાથ અને જરૂરિયાતમંદ દીકરીઓ ઉપર વાત્સલ્યનો હાથ મૂકી તેમને છત્રછાયા આપી કરેલા ઉમદા સેવા કાર્ય બદલ આપ્યા અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જૂની અને નવી શરતની જમીનમાં ફેરબદલ કરી પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ આપવાના ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી નો સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્ય સંજયભાઈ મહીડાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં આદિનાર ચોકડી ખાતે ૭૭ દીકરીઓ અને વર્ષ ૨૦૨૪ માં મહુધામાં ૧૦૧ દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષોથી કરવામાં આવતા સમૂહ લગ્નોત્સવના આ ઉમદા કાર્યમાં આર્થિક સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો તેમણે આભાર માન્યો હતો.

આ તૃતીય સમુહ લગ્નોત્સવમાં તમામ ૧૫૧ નવદંપતિઓને ઘરવખરી આપીને નવા લગ્ન જીવનની શરૂઆત માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વ કલ્પેશભાઈ પરમાર, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેશ ઝાલા,

અમુલ ના ચેરમેન વિપુલભાઈ પટેલ, કેડીસીસી બેંક ચેરમેન તેજસભાઈ પટેલ, નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ,મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહુધા તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન પરમાર, ચકલાસી નગરપાલિકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અગ્રણીઓ, પદાધિકારીઓ, નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈ, સાજનમાજન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.