ટ્રાફિક ચલણ માટે હવેથી ૧૦ સેકન્ડનો વીડિયો રેકોર્ડ કરાશે

નવી દિલ્હી, હવે ટ્રાફિક નિયમો તોડવા બદલ ફક્ત ફોટાના આધારે નહીં પરંતુ વિડીઓ પુરાવાના આધારે ચલણ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બહાર પાડી છે, જે હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે. આ એસઓપી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટના ૨૩ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ બાદ સરકારે એસઓપી જાહેર કરી છે.આ નવી સિસ્ટમ હેઠળ હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવા, મોબાઈલ ફોન પર વાત કરવી, રોન્ગ સાઇડમાં વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે ખાવા-પીવા જેવી પ્રવૃત્તિઓ હવે કેમેરામાં રેકોર્ડ થશે. આ કેમેરા એટલા હાઇટેક હશે કે તે ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ સ્પષ્ટ વીડિયો રેકોર્ડ કરી શકશે.
નવી એસઓપી મુજબ ચલણ જારી કરવા માટે કેમેરા હવે ઓછામાં ઓછા ૧ સેકન્ડ અને વધુમાં વધુ ૧૦ સેકન્ડ માટે વીડિયો રેકોર્ડ કરશે. જેમાં ગાડી નંબર, લોકેશન, તારીખ અને સમય જેવી બધી માહિતી સ્પષ્ટપણે દેખાશે.SS1MS