Western Times News

Gujarati News

મારે હજુ વધારે ‘જાટ’ જેવી ફિલ્મો કરવી છે: રણદીપ હુડા

મુંબઈ, રણદીપ હુડાએ સન્ની દેઓલની ફિલ્મ ‘જાટ’માં વિલન રાણાતુંગાનો રોલ કર્યાે છે, જેમાં તેના અભિનયના વખાણ થયા છે. રણદીપ છેલ્લા ૨૫ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં વિવિધ રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સરસ ચાલી રહી છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં રણદીપે રાણાતુંગાના પાત્રની તૈયારી વિશે વાત કરી હતી. તેણે ઇન્ડસ્ટ્રીની રીઢી માનસિકતા અને પોતાનો રસ્તો પોતે બનાવવાની તેની સફર વિશે વાત કરી હતી.રણદીપે કહ્યું, “આ થોડી વિચિત્ર પરિસ્થિતિ છે. બોલિવૂડ હોય, કોઈ બીજી ઇન્ડસ્ટ્રી હોય કે પછી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આ બધું અંતે એક બિઝનેસ છે. જે પ્રોડક્ટ ચાલી જાય, લોકો તેના તરફ જ ઢળી જશે.

એક ફિલ્મ સફળ થઈ એટલે બીજી એવી જ ફિલ્મો બનવા માંડશે. મેં સફળતાથી ગણો કે નિષ્ફળતાથી આ પ્રકારના પ્રવાહમાં ન તણાવવાનો હંમેશા પ્રયત્ન કર્યાે છે અને હું હંમેશા કોઈ વાસ્તવિક વાર્તાઓ તરફ જ આકર્ષાયો છું. હું એવું નથી કહેતો કે મારા બધાં જ નિર્ણયો સાચા જ હતા પણ ખરાબ પણ નહોતા.”

રણદીપે આગળ કહ્યું, “હું સામાન્ય જનતાને પસંદ પડે એવા સિનેમાનો ભાગ બની રહ્યો છું, જાટ કર્યા પછી મને આવા રોલ વધારે કરવાની ઇચ્છા છે, જે લાર્જર ધેન લાઇફ હોય, અવાસ્તવિક હોય છતાં પણ લોકો તેને સ્વીકારી લે છે.

તમે જેમ આગળ વધો તેમ એક કલાકાર તરીકે તમે પણ બદલાતા રહો છો. લાંબા સમય પછી હું આ જોનરમાં પાછો આવ્યો છું.” આ ઇન્ટરવ્યૂમાં તેણે પોતાની અને કંગનાની દોસ્તી વિશે પણ વાત કરી હતી. જેમાં ૨૦૧૯માં આલિયાના પક્ષમાં રણદીપે કંગનાને ઓકેશનલ એક્ટર કહી હતી.

૨૦૧૯માં કંગનાએ આલિયાની ગલીબોય ફિલ્મના અભિનયને મીડિયોકર ગણાવ્યો હતો. ત્યારે રણદીપે આલિયાની તરફેણમાં કંગનાનું નામ લીધા વિના ટ્‌વીટ કરી હતી. તેણે લખેલું, “ડિઅરેસ્ટ આલિયા, હું ખુશ છું કે તું ઓકેશનલ અને ગંભીરતાનો ભોગ બનેલા લોકોના અભિપ્રાયોની તારા કામ પર અસર થવા દેતી નથી. સફળતા માટેના તારા સતત પ્રયત્નોને બિરદાવું છું.”

ત્યારે ઘણા લોકોએ ધાર્યું હતું કે, આ રીતે તેણે કંગના પર નિશાન સાધ્યું હતું. આ અંગે રણદીપે હવે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું, “મારે કંગના સાથે કોઈ વાંધો નથી, ત્યારે પણ નહોતો અને હજુ પણ નથી. પરંતુ હાઇવેના કારણે મને નાની આલિયા સાથે એક અલગ લગાવ હતો.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.