Western Times News

Gujarati News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ જેના કારણે રાહુલ-સોનિયાની મુશ્કેલી વધી શકે છે?

AJLની 90 કરોડ રૂપિયાની સંપત્તિ અયોગ્ય રીતે હસ્તગત કરી લીધી તેવા આરોપો

ઈડીએ દિલ્હી, લખનઉ અને મુંબઈમાં ૬૬૧ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોનો કબજો લેવા માટે નોટિસ જારી કરી હતી.

સામ પિત્રોડાનું નામ પણ સામેલઃ આ કેસની સુનાવણી ૨૫ એપ્રિલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે

(એજન્સી)નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંગળવારે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી. આમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેના નામનો સમાવેશ થાય છે.

આ કેસની સુનાવણી ૨૫ એપ્રિલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. કોર્ટે ઈડી પાસેથી આ મામલાની કેસ ડાયરી પણ માગી છે. ૨૦૧૨માં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે સોનિયા, રાહુલ અને તેમની સહયોગી કંપનીઓ સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ તપાસ દરમિયાન, ટાંચમાં લેવાયેલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડીએ દિલ્હી, લખનઉ અને મુંબઈમાં ૬૬૧ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોનો કબજો લેવા માટે નોટિસ જારી કરી હતી.

NH (નેશનલ હેરાલ્ડ) કેસ ભારતની એક મહત્વપૂર્ણ કાનૂની લડાઈ છે જેમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, ખાસ કરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેલ છે. આ કેસની શરૂઆત 2012માં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરેલી ફરિયાદથી થઈ હતી.

કેસનો મુખ્ય આરોપ એ છે કે કોંગ્રેસ પાર્ટીએ ‘યંગ ઇન્ડિયન’ નામની કંપની બનાવી, જેણે ‘એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ’ (AJL)ની 90 કરોડ રૂપિયાની સંપત્તિ અયોગ્ય રીતે હસ્તગત કરી લીધી. AJL ‘નેશનલ હેરાલ્ડ’ સમાચારપત્ર પ્રકાશિત કરતી હતી, જેની સ્થાપના પંડિત જવાહરલાલ નેહરુએ કરી હતી.

આરોપ મુજબ, કોંગ્રેસે AJLને 90 કરોડ રૂપિયાનું લોન આપી, પણ પછીથી તેને 50 લાખ રૂપિયામાં ‘યંગ ઇન્ડિયન’ને ટ્રાન્સફર કરી દીધું. યંગ ઇન્ડિયનમાં સોનિયા અને રાહુલ ગાંધી મુખ્ય શેરહોલ્ડર હતા, જેથી તેમના પર વ્યક્તિગત લાભ માટે AJLની અબજો રૂપિયાની સંપત્તિ હસ્તગત કરવાનો આરોપ લાગ્યો.

મંગળવારે સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં તેમની ગુરુગ્રામના શિકોપુર જમીન કૌભાંડમાં પૂછપરછ કરવામાં આવી હતી.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, આ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરફથી બદલાની રાજનીતિ છે. જયરામ રમેશે લખ્યું, ‘નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવી એ કાયદાના શાસનનો ઢોંગ કરીને રાજ્ય પ્રાયોજિત ગુનો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરવી એ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરફથી બદલાની રાજનીતિ અને ધાકધમકી સિવાય બીજું કંઈ નથી.

જોકે, કોંગ્રેસ અને તેનું નેતૃત્વ ચૂપ રહેશે નહીં. સત્યમેવ જયતે.’ શુક્રવારે, દિલ્હીમાં હેરાલ્ડ હાઉસ, મુંબઈમાં બાંદ્રા (પૂર્વ) અને લખનઉમાં વિશ્વેશ્વર નાથ રોડ પર એસોસિએટેડ જર્નલ લિમિટેડ ઇમારતો પર નોટિસ ચોંટાડવામાં આવી હતી. ૬૬૧ કરોડ રૂપિયાની આ સ્થાવર મિલકતો ઉપરાંત, નવેમ્બર ૨૦૨૩માં ઈડી દ્વારા એસોસિએટેડ જર્નલ લિમિટેડ ના ૯૦.૨ કરોડ રૂપિયાના શેર જપ્ત કરવામાં આવ્યા હતા

જેથી ગુનાની રકમ સુરક્ષિત કરી શકાય અને આરોપીઓને તેને વેચી ન શકાય. જૂન ૨૦૨૨માં, નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ૫ દિવસમાં ૫૦ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની ૩ દિવસમાં ૧૨ કલાક પૂછપરછ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન તેમને ૧૦૦થી વધુ સવાલો પૂછવામાં આવ્યા હતા. જૂન મહિનામાં પાંચ દિવસમાં ઈડી દ્વારા રાહુલ ગાંધીની પણ ૫૦ કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ૨૦૧૨માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, સામ પિત્રોડા અને સુમન દુબે પર છેતરપિંડી અને નાણાકીય ઉચાપત દ્વારા ખોટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારને હડપ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આરોપ મુજબ, કોંગ્રેસના નેતાઓએ નેશનલ હેરાલ્ડની મિલકતો પર કબજો કરવા માટે યંગ ઈન્ડિયન લિમિટેડ ઓર્ગેનાઈઝેશનની રચના કરી અને તેના દ્વારા ગેરકાયદેસર રીતે એસોસિએટેડ જર્નલ લિમિટેડ હસ્તગત કરી, જે નેશનલ હેરાલ્ડ પ્રકાશિત કરે છે.

સ્વામીએ આરોપ લગાવ્યો કે દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ પર સ્થિત ૨૦૦૦ કરોડ રૂપિયાના હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગ પર કબજો કરવા માટે આ કરવામાં આવ્યું હતું.
સ્વામીએ ૨,૦૦૦ કરોડ રૂપિયાની કંપની માત્ર ૫૦ લાખ રૂપિયામાં ખરીદવા બદલ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આ કેસમાં સામેલ અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ સામે ફોજદારી કાર્યવાહીની માગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.