રોબર્ટ વાડ્રાની ED ઓફિસમાં કયા કૌભાંડ અંગે પૂછપરછ કરાઈ

ગુરુગ્રામ જમીન કૌભાંડમાં રોબર્ટ વાડ્રાની ઈડી ઓફિસમાં પૂછપરછ
(એજન્સી)ગુરુગ્રામ, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા આજે, મંગળવારે ચાલતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચ્યા. જ્યાં તેમની ગુરુગ્રામના શિકોપુર જમીન કૌભાંડમાં પૂછપરછ કરવામાં આવી હતી. જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં પૂછપરછ માટે ઈડીએ તેમને બીજું સમન્સ મોકલ્યું હતું. વાડ્રા અગાઉ ૮ એપ્રિલે મોકલવામાં આવેલા પહેલા સમન્સમાં હાજર થયા ન હતા.
ઈડી ઓફિસ જતી વખતે વાડ્રાએ કહ્યું, જ્યારે પણ હું લોકોનો અવાજ ઉઠાવું છું અથવા રાજકારણમાં આવવાનો પ્રયાસ કરું છું ત્યારે આ લોકો મને દબાવશે અને એજન્સીઓનો દુરુપયોગ કરશે. હું હંમેશાં બધા સવાલોના જવાબ આપું છું અને આપતો રહીશ.
આ કેસમાં કંઈ નથી. હું ત્યાં ૨૦ વાર ગયો છું અને ૧૫-૧૫ કલાક બેઠો છું. મેં ૨૩ હજાર ડોક્યુમેન્ટ આપ્યા છે, પછી તેઓ ફરીથી મને કહે છે, ડોક્યુમેન્ટ આપો, આવું થોડું ચાલે છે. વાડ્રાની સાથે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દ્ર સિંહ હુડ્ડા પણ આ કેસમાં આરોપી છે. તેમના પર આરોપ છે કે તેમણે મુખ્યમંત્રી હતા ત્યારે વાડ્રાની કંપનીને ફાયદો કરાવ્યો હતો.
આ કેસ વર્ષ ૨૦૧૮નો છે. આ કેસ ૧ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ ગુડગાંવના ખેરકી દૌલા પોલીસ સ્ટેશનમાં તૌરુના રહેવાસી સુરેન્દ્ર શર્માની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો.
ફેબ્રુઆરી ૨૦૦૮માં રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીએ ગુરુગ્રામના શિકોહપુર ગામમાં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી ૭.૫ કરોડ રૂપિયામાં ૩.૫ એકર જમીન ખરીદી હતી. એ જ વર્ષે તત્કાલીન મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાના નેતૃત્વ હેઠળની હરિયાણા સરકારે ૨.૭ એકર જમીન પર વ્યાપારી કોલોની બનાવવા માટે લાઇસન્સ આપ્યું હતું.
આ પછી કોલોની બનાવવાને બદલે સ્કાયલાઇટ કંપનીએ આ જમીન ડીએલએફને ૫૮ કરોડ રૂપિયામાં વેચી દીધી, જેના પરિણામે લગભગ ૫૦ કરોડ રૂપિયાનો નફો થયો. ૨૦૧૨માં હરિયાણાના વરિષ્ઠ આઈએએસ અધિકારી અશોક ખેમકાએ સોદામાં અનિયમિતતાઓને ટાંકીને જમીનના મ્યુટેશન રદ કર્યું હતું. ખેમકાએ દાવો કર્યો હતો કે આ પ્રક્રિયા નિયમો વિરુદ્ધ હતી. આમાં ભ્રષ્ટાચારની આશંકા હતી.