દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવવાની નિતીન ગડકરીની જાહેરાત

File
મુંબઈ-ગોવા હાઈવે જૂન ૨૦૨૫ સુધીમાં થશે પૂર્ણ
15 દિવસમાં નવી ટોલ પોલિસીની જાહેરાત કરશે ગડકરી” (Major Relief for Travelers: Gadkari to Announce New Toll Policy in 15 Days)
નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરના પ્રવાસીઓને ટોલ પ્લાઝામાંથી રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ‘દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવવા માટે કેન્દ્ર સરકાર ઝડપી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી રજૂ કરવામાં આવશે.’
ગડકરીએ મુંબઈના દાદરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, આગામી ૧૫ દિવસમાં નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે. જોકે તેમણે પોલિસીની માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે, પરંતુ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, “નવી પોલિસી જાહેર થતાં જ ટોલ સંબંધિત તમામ ફરિયાદો ખતમ થઈ જશે.”
મુંબઈ-ગોવા હાઈવે જૂન ૨૦૨૫ સુધીમાં થશે પૂર્ણ
આ સાથે કેન્દ્રીય મંત્રીએ મુંબઈ-ગોવા હાઈવેની કામગીરી અંગે વિશ્વાસ સાથે કહ્યું કે, “આ હાઈવે જૂન-૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ હાઈવે પરથી રોજબરોજ પસાર થતા પ્રવાસીઓ, ખાસ કરીને કોંકણ વિસ્તારના લોકોને મોટી રાહત મળશે.”
તેમણે એમ પણ કહ્યું કે, આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જમીન અધિગ્રહણ કરવા માટે કાયદાકીય પ્રક્રિયા અને પારિવારિક ઝઘડાના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. આ ઉપરાંત અનેક મામલાઓમાં વળતર ચૂકવવામાં સમસ્યા થઈ, જેના કારણે નિર્માણ કાર્ય અટકતું રહ્યું હતું. જોકે હવે આ તમામ અડચણો દૂર થઈ ગઈ છે અને પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.
નવી ટોલ પોલિસીની રાહ
વિશ્લેષકોના મતે, નવી ટોલ પોલિસી બનવાથી દેશભરના વાહનચાલકોને મોટી રાહત મળશે અને પરિવહન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. જો કે, સરકાર આ નવી વ્યવસ્થા દ્વારા કેવી રીતે ટોલ વસૂલવાનું આયોજન કરે છે, તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રતિનિધિઓએ આ જાહેરાતને આવકારી છે અને કહ્યું છે કે તેનાથી સમય અને ઈંધણની બચત થશે, જે અંતે દેશના અર્થતંત્રને ફાયદો કરશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, નવી ટોલ પોલિસી હેઠળ GPS આધારિત ટોલ વસૂલાત પર ભાર મૂકવામાં આવી શકે છે, જેમાં ટોલ પ્લાઝા પર રોકાયા વિના વાહનોના ઉપયોગ અનુસાર ટોલ વસૂલ કરવામાં આવશે. જોકે આ અંગે આધિકારિક પુષ્ટિ થઈ નથી.