Western Times News

Gujarati News

૧૭ વર્ષીય કિશોરની નશેડીએ હત્યા કરતા મહિલાઓ બની રણચંડી

પ્રતિકાત્મક

પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

(એજન્સી)સુરત, સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. લક્ષ્મણ નગર વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય કિશોર પરેશ અરવિંદ વાઘેલાની નશેડીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે. જેથી આ ઘટના વિસ્તારમાં ભારે ચકચાર સર્જી ગઈ છે.

લોકોમાં ભારે રોષ છે. ત્યારે દારૂના અડ્ડાઓ બંધ કરાવોના નારા સાથે મહિલાઓએ રણચંડી બનીને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને આકરી કાર્યવાહીની માગ કરી હતી. આ સમયે મહિલાઓનું પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ, અસામાજિક તત્ત્વો અને નશેડી રાજ વધી ગયું છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહ્યો નથી.. યુપી-બિહારની માફક ધોળેદહાડે લૂંટ, હત્યા અને છેડતીના કિસ્સાઓ બને છે. પોલીસ કાર્યવાહી થાય છે, સરકારી ચોપડે ક્રાઇમ રેટ ઘટે છે પરંતુ શહેરમાં નશાખોરો અને અસામાજિક તત્ત્વોની ગુંડાગીરી વધતી જાય છે,

ત્યારે સુરતમાં ફરી હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. નશો કરવા માટે રૂપિયા આપવાની ના પાડતાં ૧૭ વર્ષીય સગીરની ચપ્પાના ઘારી મારીને હત્યા કરી દેવામાં આવતાં સ્થાનિક સહિત શહેરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવોઓ વચ્ચે સુરત શહેર અસુક્ષિત બન્યું છે.

કાપોદ્રા વિસ્તારમાં રહેતા અરવિંદભાઇ વાઘેલા મૂળ અમરેલીના માલસીકાના વતની છે. તેઓ પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે અને ફ્રૂટની લારી ચલાવી ગુજરાત ચલાવે છે. તેમનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારાખાનામાં કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો.

સોમવારે રાત્રે પરેશ કારખાનેથી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પ્રભુ શેટ્ટી (ઉં.વ.૨૫ રહે. લક્ષ્મણ નગર સોસાયટી કાપોદ્રા)એ નશો કરવા માટે પૈસા માંગ્યા હતા. પરેશ કહ્યું હતું કે મારી પાસે માત્ર ભાડાના ૧૦ રૂપિયા જ છે એમ રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી પ્રભુએ તેની સાથે માથાકૂટ કરી પેટમાં ચપ્પુ ભોંકી દીધું હતું.

પરેશને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. એટલું જ નહીં આરોપી પ્રભુએ પરેશને ચપ્પાના ઘા માર્યા બાદ આગળ જઇને રીક્ષાચાલક સાથે માથાકૂટ કરી તેને પણ ચપ્પાના ઘા માર્યા હતા. હાલ રીક્ષાચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. ૫૦૦થી વધુ લોકોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચી ગયું હતું અને ન્યાયની માંગણી સાથે નારેબાજી કરી હતી.

પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસે સ્ટેશનના દરવાજાને લોક મારી દીધું હતું અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ દોડી આવ્યા હતા. અધિકારીઓએ કડક કાર્યવાહીની સાંત્વના આપી અને સમજાવટ બાદ મોડી રાત્રે સમગ્ર મામલો થાળે પડ્‌યો હતો. મહિલાઓએ દિવસે પણ નારેબાજી કરીને ઘેરાવ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.