રથયાત્રા રૂટ પરના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા
અમદાવાદ, અમદાવાદ શહેરમાં રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે તમામ પગલા સંબંધિત વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે. એકબાજુ ચોથી જુલાઈના દિવસે રથયાત્રા નિકળે તે પહેલા જ અમદાવાદ શહેરના જમાલપુર જગન્નાથ મંદિરને હવે વિશેષરીતે લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે જેથી મંદિર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહેલાથી જ દર્શન માટે પહોંચી રહ્યા છે. જગન્નાથ મંદિરના પ્રાંગણમાં પણ તમામ સુવિધાઓ ગોઠવવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરા અને અન્ય સંસાધનોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. સુરક્ષા પાસાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. મંદિર અને આસપાસના વિસ્તારોમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા હંમેશાની જેમ જ ગોઠવી દેવામાં આવી છે. બીજી બાજુ રથયાત્રાના રુટ ઉપર પણ તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.
ચોથી જુલાઈના દિવસે રથયાત્રા દરમિયાન કાફલો જે વિસ્તારમાંથી પસાર થનાર છે તે તમામ રસ્તા ઉપરથી અતિક્રમણો અને ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની ઝુંબેશ શહેરના જુદા જુદા વિસ્તારમાં યથાવતરીતે ચાલી રહી છે.
આવી Âસ્થતિમાં રથયાત્રાનું આયોજન સફળ રહે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. આજે શહેરના માણેકચોક વિસ્તારમાં રથયાત્રા રુટ પરના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. સવારથી જ એએમસીના લોકો દ્વારા માણેકચોકમાં ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની પ્રક્રિયા પોલીસ કાફલાને સાથે રાખીને હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીનો દોર હજુ કેટલાક દિવસ સુધી જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. પેટ્રોલિંગ અને કોમ્બિંગની પ્રક્રિયા પણ વધુ તીવ્ર કરવા માટેનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે.