પૂર્વ ઝોન ઓફિસમાં નિકોલના ડ્રેનેજ પ્રશ્ને કોંગ્રેસની આક્રમક રજુઆત

પ્રતિકાત્મક
ગોમતીપુરની ચાલીઓમાં થતા પ્રદુષિત પાણીના સપ્લાય અંગે સ્થાનિક કોર્પોરેટરાની રજુઆત
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં છેલ્લા ૧પ દિવસથી ગટરના પાણીના તળાવ ભરાઈ ગયા છે. સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ આ અંગે ફરિયાદ કરવામાં આવી રહી છે તેમ છતાં તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી.
જેના કારણે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સ્થાનિક રહીશો પૂર્વ ઝોન કચેરીએ ધરણા, દેખાવ કરવામાં આવ્યા હતા અને ડેપ્યુટી કમિશનરને આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે સાથે ગોમતીપુર વિસ્તારની અનેક ચાલીઓમાં સપ્લાય થતાં પ્રદુષિત પાણી અંગે રજુઆત કરવામાં આવી હતી.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાન પઠાણના જણાવ્યા મુજબ નિકોલ વિસ્તારમાં છેલ્લા બે અઠવાડિયાથી ગટરના ગંદા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે નાગરિકોને અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી છે. આમ તો નિકોલનો પ્રશ્ન વર્ષો જુનો છે અને ભાજપના જ ધારાસભ્ય-કોર્પોરેટરો હોવા છતાં પણ આ સમસ્યાનો કોઈ જ ઉકેલ લાવી શકયા નથી તે ખરેખર શરમજનક બાબત છે.
જો આ સમસ્યાનો ઝડપથી ઉકેલ નહી આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગોમતીપુરના ધારાસભ્ય ઈકબાલ શેખે તેમના મત વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી સપ્લાય થતાં પ્રદુષિત પાણી અંગે પણ રજુઆત કરી હતી. તેમના જણાવ્યા મુજબ ગોમતીપુરમાં નાગપુર વોરાની ચાલી, ડાયાભાઈ કડીયાની ચાલી, શાસ્ત્રીનગર, મદની મહોલ્લા, નટવર વકીલની ચાલી, પટેલની ચાલી,
ડોકટરની ચાલી, ઉષા ટોકીઝ રોડ, નુરભાઈ ધોબીની ચાલી, જેઠાકુંભારની ચાલી, પંડીતની ચાલી સહિત અંદાજે ર૦ થી ૩૦ ચાલીઓમાં છેલ્લા બે મહિનાથી સતત પ્રદુષિત પાણી સપ્લાય થાય છે જેના કારણે ર૦ હજાર નાગરિકોને અસર થઈ રહી છે તેમજ આ ચાલીઓમાં પાણીનું પ્રેશર પણ આવી રહયું નથી જેના કારણે સ્થાનિક રહીશો ટેન્કર પર આધારિત છે. ગોમતીપુરના તમામ કોર્પોરેટરોએ આ અંગે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજુઆત કરી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.