“વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના નિર્માણમાં ગુજરાતની મહિલા ઉદ્યોગકારોની નિર્ણાયક ભૂમિકાઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે FICCI-FLO મહિલા સદસ્યો સાથે કર્યો સંવાદ
ગાંધીનગર, તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૫: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – લેડીસ ઓર્ગેનાઈઝેશન (FICCI-FLO)ની મહિલા સદસ્યો સાથે અર્થપૂર્ણ સંવાદ સાધ્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના નિર્માણમાં ગુજરાતની મહિલા ઉદ્યોગકારો નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે ગુજરાતના કોઈપણ સ્થળે મહિલાઓ નીડરતાથી અને સુરક્ષિત રીતે વેપાર-ઉદ્યોગ કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારની મહિલા ઉત્થાનની યોજનાઓ અને નીતિઓને પરિણામે આજે ગુજરાતની અનેક મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની રહી છે, જે રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહી છે.
સંવાદ દરમિયાન તેમણે ઉલ્લેખ કર્યો કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે સર્વગ્રાહી અને સર્વસમાવેશક વિકાસ પર ભાર મૂકીને દરેક ક્ષેત્રે અનેકવિધ નવતર પહેલ કરી છે, જેના સુફળ આજે સમગ્ર ગુજરાત ભોગવી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ FICCI-FLOની મહિલા સદસ્યોને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓને મદદરૂપ થઈ તેમને સ્વાવલંબી બનાવવા માટેના પ્રયાસો કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ભાર મૂક્યો કે મહિલા સશક્તિકરણથી સમાજ અને દેશનો વિકાસ વધુ ગતિશીલ બને છે.
આ કાર્યક્રમમાં FICCI-FLOની અગ્રણી મહિલા સદસ્યો, ઉદ્યોગકારો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા ઉદ્યોગકારોએ પણ પોતાના અનુભવો અને સૂચનો મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યા હતા.