Western Times News

Gujarati News

યુએસએ ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીના વિઝા રદ કરતાં ખળભળાટ

વોશિંગ્ટન, અમેરિકાએ છેલ્લા ત્રણ અઠવાડિયામાં ૧૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા અથવા લીગલ સ્ટેટસને રદ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ સરકારે કોઈ કારણ આપ્યા વગર ઓચિંતો આ નિર્ણય લીધો હોવાના દાવા સાથે અમેરિકાની વિવિધ કોર્ટમાં સેંકડો અરજીઓ દાખલ કરવામાં આવી છે.

યુએસ સરકારના આ નિર્ણયથી સેંકડો તેજસ્વી વિદ્યાર્થીઓ પર અટકાયત અને દેશનિકાલનું જોખમ તોળાઈ રહ્યું છે. સરકારના આ નિર્ણયનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ જેવી જાણીતી ખાનગી યુનિવર્સિટીથી માંડીને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ અને ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી જેવી સરકારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ૧૬૦ કોલેજ-યુનિવર્સિટીના ૧૦૨૪ વિદ્યાર્થીના વિઝા અને લીગલ સ્ટેટસ અચાનક રદ કરી દેવાયા છે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાથી આ કાર્યવાહી ઓચિંતી શરૂ થઈ હતી.

સરકાર સામે કેસ માંડનારા વિદ્યાર્થીઓનો દાવો છે કે, વિઝા અને લીગલ સ્ટેટસ રદ કરવાના નિર્ણય બાબતે સરકાર તરફથી કોઈ કારણ અપાયું નથી. વિઝા રદ કરવા માટે અનેક સંભવિત પરિબળો જવાબદાર હોઈ શકે છે, પરંતુ કેટલીક કોલેજોનો દાવો છે કે, ટ્રાફિક ભંગ જેવા જૂના ક્ષુલ્લક કેસ સરકારે શોધ્યા છે અને તેના આધારે વિદ્યાર્થીઓના વિઝા આડેધડ રદ થઈ રહ્યા છે.

સરકારી તંત્ર ઈરાદાપૂર્વક કેટલાક દેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી રહ્યું હોવાનો દાવો પણ થઈ હ્યો છે.ગત સપ્તાહે ન્યૂ હેમ્પશાયરના ફેડરલ જજે, ચીનના વિદ્યાર્તી શીઓટિઆન લ્યુના વિઝા રદ કરવાના સરકારના હુકમને અયોગ્ય ઠેરવ્યો હતો.

જ્યોર્જિયા અને કેલિફોર્નિયામાં પણ આ પ્રકારના સંખ્યાબંધ કેસ થયા છે. કેટલાક હાઈપ્રોફાઈલ કેસમાં ટ્રમ્પ સરકારે પુરાવા પણ રજૂ કર્યા છે. કોલંબિયા યુનિવર્સિટીના એક્ટિવિસ્ટ મોહંમદ ખલીલે પેલેસ્ટાઈન તરફી ગતિવિધિઓ કરી હોવાનો અને ગેરકાયદે વસાહતીઓને ડીપોર્ટ કરવાના નિર્ણયનો વિરોધ કર્યાે હોવાનો દાવો સરકારે કર્યાે હતો.

જો કે મોટા ભાગના કેસમાં વિદ્યાર્થીઓની સંડોવણી કોઈ વિવાદાસ્પદ કામગીરીમાં જણાઈ નથી.સામાન્ય રીતે અમેરિકામાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને એફ-૧ કેટેગરી હેઠળ વિઝા અપાય છે.

કોલેજ-યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા પછી યુએસ એમ્બેસી દ્વારા અલગ-અલગ દેશોમાં વિઝા મંજૂરીની કાર્યવાહી હાથ ધરાય છે. એફ-૧ વિઝા માટે વિદ્યાર્થીએ અભ્યાસ પૂરો કરવા માટે પોતાની આર્થિક ક્ષમતા દર્શાવવાની હોય છે. અમેરિકામાં પ્રવેશ બાદ વિદ્યાર્થીઓના લીગલ સ્ટેટસ પર ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા નજર રખાય છે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિદ્યાર્થીઓના લીગલ રેસિડન્સી સ્ટેટસને છીનવી લેવાયું છે. હોમલેન્ડ સિક્યુરિટીનો ડેટાબેઝ ચકાસતી વખતે કોલેજ સ્ટાફને આ અંગેની જાણ થઈ છે.

અગાઉની સ્થિતિમાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થવા બાબતે કોલેજ દ્વારા જાણ કરાતી હતી અને ત્યારબાદ ડેટાબેઝ અપડેટ થતો હતો. ટ્રમ્પના કાર્યકાળમાં કોઈ કારણ વગર આ પરંપરા તૂટતાં અનેક કેમ્પસોમાં ફફડાટ ફેલાયો છે અને કોલેજ-યુનિ. સત્તાધિશો દ્વારા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા પ્રયાસ થઈ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.