પ્રેમ સબંધના કારણે રાજપરાના યુવાનની હત્યા કરનાર બે ઝડપાયા

ભાવનગર, ઘોઘાના રાજપરા-ખારા ગામે બે દિવસ પૂર્વે પ્રેમ સબંધના મામલે યુવાનની હત્યામાં સંડોવાયેલાં મુખ્ય બે આરોપીને પોલીસે ઝડપી પાડયા હતા. કૌટુંબિક સભ્યોએ મિત્રની મદદથી યુવાનની હત્યા કર્યાનું જાહેર થયા બાદ તમામ હત્યારા ફરાર હતા.
ઝડપાયેલાં બન્ને મુખ્ય હત્યારાને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે. બનાવની વિગત એવી છે કે, ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામની સીમમાં આવેલી મલાર વાડી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ ઝીણાભાઈ ચૌહાણ છેલ્લા ત્રણ વર્ષથી નાગધણીબા ગામના પોપટભાઈ ઓધાભાઈ પટેલની જમીનમાં ભાગ રાખી ખેતીવાડી કરતા હતા.
દરમિયાનમાં રાકેશભાઈને તેમની બાજુમાં રહેતા તેમના કુટુંબી અશોકભાઈ લવજીભાઈ ચૌહાણની પુત્રી કાજલ સાથે પ્રેમ સબંધ હતો.આ સમગ્ર મામલે યુવતીના ભાઈ જયદીપ અને કુટુંબી નીતિન જેન્તીભાઇ ચૌહાણ સાથે બોલાચાલી અને ઝઘડો થતો હતો.
પ્રેમ સંબંધ અને ઝઘડાની દાઝ રાખી ગત બુધવારની રાત્રિના આસપાસ મલાર વાડી વિસ્તારમાં આવેલ બાડી નાગધણીબા વાળી નળમાં જયદીપ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ,નીતિન જેન્તીભાઇ ચૌહાણ અને તેના મિત્રોએ એકસંપ કરી રાકેશને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેનું ઢીમ ઢાળી દીધું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ અમિતભાઈએ ઘોઘા પોલીસ મથકમાં ઉક્ત શખ્સો વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે ઘોઘા પોલીસે હત્યાના મુખ્ય આરોપી એવા જયદીપ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ તથા નીતિન જેન્તીભાઇ ચૌહાણ ( રહે.બન્ને રાજપરા ખારા તા.ઘોઘા) ની મોડી રાત્રે ધરપકડ કરી હતી.અને બન્ને શખ્સને પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેમ હોવાનું ઘોઘા પીએસઆઈએ જણાવ્યું હતું.SS1MS