પ્રિ-મોન્સૂનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓેને સૂચના

અમદાવાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
ફાર્મર રજિસ્ટ્રેશન, રેશન કાર્ડ ઇ-કેવાયસી સહિતની વિવિધ કામગીરીમાં તમામ અધિકારીશ્રી સહયોગ આપે : જિલ્લા કલેક્ટર સુજિત કુમાર
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લાની વિવિધ કચેરીઓના સંકલન બાબતની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા રેશનકાર્ડ સંબધિત ઇ-કેવાયસી તેમજ ફાર્મર રજિસ્ટ્રેશનની કાર્યવાહી થઈ રહી છે, તેને સત્વરે પૂર્ણ કરવા જિલ્લાના તમામ અધિકારીઓને જરૂરી સહયોગ આપવા સૂચન કર્યું હતું.
જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના તમામ અધિકારીઓને પોતાના વિભાગના સંબંધિત વિકાસનાં કાર્યો ઝડપથી પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારશ્રી વિદેહ ખરેએ પ્રિ-મોન્સૂનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત હિટવેવની માર્ગદર્શિકાને અનુસરવા તાકીદ કરી હતી. તેમણે જિલ્લામાં આવતી કેનાલોની સફાઈ કરવા પણ સૂચન કર્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેકટરશ્રી હાર્દ શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રીઓ, પોલીસ અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.