પહાડો ઉપર હિમવર્ષા: ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા
કાશ્મીર તેમજ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સમગ્ર ઉત્તર ભારતમાં અસર: તાપમાનમાં નજીવો વધારો થયો |
નવી દિલ્હી, પહાડી વિસ્તારોમાં હિમવર્ષા યથાવત રીતે જારી છે. જેના કારણે એકબાજુ આ તમામ વિસ્તારોમાં કાતિલ ઠંડી પડી રહી છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે. કેટલાક અન્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તરીય પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે. સાઇક્લોનની અસર સમગ્ર ઉત્તર ભારતમાં જાવા મળી રહી છે. પૂર્વીય ઉત્તર ભારતમાં તેની અસર જોવા મળી રહી છે. દિલ્હી અને એનસીઆરમાં પણ વરસાદ થઇ શકે છે. પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના કહેવા મુજબ સમગ્ર ઉત્તર ભારતમાં વધારે વરસાદ થઇ શકે છે. જો કે તાપમાનમાં હાલમાં વધારો થશે.હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમ વર્ષા જારી રહી છે. તાપમાન માઇનસમાં છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમા પણ હાડ ગાળી નાંખે તેવી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પારો ખુબ ગબડી ગયો છે. કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા માટેની આગાહી અકબંધ રાખવામાં આવી છે. હિમાચલપ્રદેશમાં પણ ઉંચાણવાળા વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ છે. ટ્યુરિસ્ટ સ્થળો કુલ્લુ જિલ્લામાં મનાલીમાં માઇનસમાં તાપમાન રહ્યુ છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતિ ફરી એકવાર જાવા મળી રહી છે.
ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે દિલ્હી આવતી ટ્રેનો મોડેથી દોડી રહી છે. માર્ગો પર ધુમ્મસના કારણે સવારે મોટી સંખ્યામાં લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી. વિજિબિલિટી ઘટી જવાના કારણે દિલ્હી વિમાનીમથકે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.