Western Times News

Gujarati News

માંડલના ઉઘરોજ ખાતે વિરમગામ, માંડલ અને દેત્રોજ-રામપુરા તાલુકા ઠાકોર સમાજનો ૨૧મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા-સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાની પ્રોત્સાહક ઉપસ્થિત

સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સંપ, એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાની ભાવના વિકસે છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ માંડલ તાલુકાના ઉઘરોજ ગામે  વિરમગામ, માંડલ અને દેત્રોજ-રામપુરા તાલુકા ઠાકોર સમાજના ૨૧મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે નવયુગલોને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વિરાસત ભી, વિકાસ ભીનો મંત્ર ચુંવાળ પ્રદેશની ભૂમિ પર સાકાર થઈ રહ્યો છે. 

આ પ્રદેશમાં એક તરફ બહુચરાજી મંદિર, રૂદાતલ ગણેશ મંદિર, ઉઘરોજ જૈન તીર્થ, કુંતેશ્વર મહાદેવ જેવી પ્રાચીન વિરાસતો છે, તો બીજી તરફ આ વિસ્તાર ઔદ્યોગિક પ્રગતિથી વિકાસનો પર્યાય બન્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસના કારણે અહીં આવીને વસેલા દેશભરના વિવિધ રાજ્યોના લોકો એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરી રહ્યા છે તથા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસમંત્ર પણ અહીં ચરિતાર્થ થઈ રહ્યો છે.

સમૂહ લગ્નોત્સવ પ્રસંગના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજસેવાના ઉદારભાવ સાથે જ્યારે કોઈ જ્ઞાતિ, સમાજ કે પરિવાર સંકળાય અને તેને સૌનો સાથ સાંપડે ત્યારે કેવું મોટું કામ થઈ શકે તેની સાક્ષી આપતો અવસર આજે અહીં ઉજવાઈ રહ્યો છે. સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સંપ, એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાની ભાવના વિકસે છે તથા રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને વેગ મળે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અહીંયા ગુજરાત ઠાકોર કોળી સમાજ વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા દસકામાં ૧૭ હજાર જેટલા લાભાર્થીઓને ૧૮૧ કરોડથી વધુની સહાય આ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ઠાકોર સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે પણ આ બોર્ડ સહાય આપે છે. 

ઠાકોર સમાજ હવે સમય સાથે કદમ મિલાવીને જાગૃત બનીને આગળ વધી રહ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ સમાજ દ્વારા અનુસરવામાં આવેલી સપ્તપદીની સાત નવીન સામાજિક પહેલોને બિરદાવી હતી. 

વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલા નવ સંકલ્પને અપનાવીને સૌને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ નવ પરણિત યુગલોને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવીને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોગ્ય આયોજન થકી સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઇના પાણીની પૂરતી સુવિધા મળી રહી છે. ઠાકોર સમાજમાં આજે વ્યસન મુક્તિ બાબતે જાગૃતિ આવી છે. સમાજના શ્રેષ્ઠીઓ આગળ આવીને દરેક તાલુકા મથકે શૈક્ષણિક સંકુલો ઊભા કરવામાં યોગદાન આપે તથા સમાજ સંગઠીત બનીને આગળ વધે એવો તેમણે અનુરોધ કર્યો હતો.

ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોરે  નવદંપતીઓને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતોને સતતપણે સરકારનો સાથ અને સહકાર સાંપડ્યો છે. શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા સહિતના ક્ષેત્રે સામૂહિક અને પ્રજાલક્ષી વિકાસકાર્યો થકી આજે રાજ્યના જિલ્લાઓમાં વિકાસની સ્પષ્ટ અનુભૂતી વર્તાઈ રહી છે.

વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકામાં સતત વિકાસના કામો સાકાર થઈ રહ્યા છે. સાથે જ, તેમણે વ્યસન મુક્તિ અભિયાનમાં સહભાગી થવા અને પોતાનું યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો હતો.

વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડા, કટોસણ સ્ટેટના ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહે પણ આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરીને નવયુગલોને આશિર્વાદ પાઠવ્યા હતા. સમાજના પ્રમુખ શ્રી ખોડાજી ઠાકોરે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમૂહ લગ્નોત્સવ પ્રસંગમાં ૭૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.

આ પ્રસંગે વિરમગામ, માંડલ અને દેત્રોજ-રામપુરા તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ શ્રી ખોડાજી ઠાકોર અને મહામંત્રી શ્રી આર.કે.ઠાકોર, સામાજિક અગ્રણી શ્રી ભાવેશભાઇ ઠાકોર, શ્રેષ્ઠીઓ, દાતાઓ, અગ્રણીઓ તથા વિવિધ સંગઠનો અને સમિતિઓના સભ્યો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.