અમદાવાદ શહેર પોલીસ માટે આર્ટ ઓફ લિવિંગ કોર્સનો પ્રારંભ

અમદાવાદ, 21 એપ્રિલ 2025 – અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિક દ્વારા અમદાવાદ શહેર પોલીસ માટે આર્ટ ઓફ લિવિંગના ચાર દિવસીય કોર્સનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. કોર્સની ખાસ વિશેષતા એ રહી કે પોલીસ કમિશનરશ્રી પોતે પણ આ કોર્સમાં જોડાયા હતા, સાથે શહેર પોલીસના અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન શહેર પોલીસના તમામ અધિકારીશ્રીઓ પોતાની નિયમિત જવાબદારીઓ નિભાવીને તણાવમુક્ત જીવન જીવી શકે તેમજ જીવનની ગુણવત્તાને વધુ ઉચ્ચ સ્તરે લઈ જઈ શકે તે હેતુસર કરવામાં આવ્યું છે.
ચાર દિવસીય આ કોર્સ દરમિયાન અધિકારીઓમાં પ્રેરણાત્મક નેતૃત્વ કુશળતા, ઉચ્ચ સ્તરીય નવીનતા અને વ્યવસ્થાપન કૌશલ્યનો વિકાસ થાય તે માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત નિર્ણય લેવાની કાર્ય ક્ષમતા, સંવાદ કુશળતા અને માનસિક ક્ષમતાઓમાં વધારો થાય તે માટેના વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, “પોલીસ કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય જાળવવું એ અમારી પ્રાથમિકતા છે. તેમની સુખાકારી વધે તે માટે આવા કાર્યક્રમો થકી તેમને તણાવ વ્યવસ્થાપનની તકનીકો શીખવાડવામાં આવે છે, જેથી તેઓ પોતાની ફરજો વધુ કુશળતાથી બજાવી શકે.”
આર્ટ ઓફ લિવિંગના પ્રતિનિધિઓએ પોલીસ અધિકારીઓને પ્રાણાયામ, ધ્યાન અને તણાવ મુક્તિની વિવિધ તકનીકો શીખવાડી હતી. આ કોર્સ બાદ અધિકારીઓ પોતાના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં વધુ સંતુલન જાળવી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.