નળ સરોવરમાં પક્ષી અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયારનો શિકાર

ગાંધીનગર, રાજ્યના નળ સરોવરમાં દેશ-વિદેશથી લાખો યાયાવર પક્ષીઓ આવતા હોય છે જેને નિહાળવા માટે લાખો પ્રવાસીઓ જતા હોય છે પરંતુ દર વર્ષે પક્ષીઓના શિકારની ઘટના નોંધાય છે.
છેલ્લા ત્રણ વર્ષમાં નળ સરોવરમાં પક્ષીઓના શિકાર કરતા કુલ ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પક્ષીઓના શિકારની ઘટનાઓ સમયાંતરે બહાર આવતી હોય છે ત્યારે સ્થાનિક વન વિભાગના સ્ટાફ ચૂસ્ત પેટ્રોલિંગ કરવાની જરૂર છે.
નળ સરોવરમાં આવતા પક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરવા અને પકડીને તેનું વેચાણ કરવાના હેતુથી પક્ષીઓને શિકારીઓ દ્વારા પકડવામાં આવતા હોય છે.
વર્ષ ૨૦૨૧માં પક્ષીઓ સાથે પાંચ આરોપી, ૨૦૨૨માં ૨ આરોપી અને ૨૦૨૩માં ૧ આરોપીને વન વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા એવો દાવો કરાય છે કે નળ સરોવર અને પેટ્રોલિંગ માટે ફાળવેલો સ્ટાફ બોટમેનની મદદથી સરોવર અને તેની બહારના વિસ્તારમાં પણ દિવસ-રાત દરમિયાન સઘન પેટ્રોલિંગની કામગીરી કરે છે.
ગેરકાયદે પ્રવૃતિ રોકવા માટે એસઆરપી અને બોર્ડર વિંગ હોમગાર્ડની ફાળવણી પણ કરાય છે. વન વિભાગ દ્વારા ટાસ્ક ફોર્સની પણ રચના કરાઇ છે. નળ સરોવર ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળે કાળિયારનો પણ શિકાર થતો હોવાનું બહાર આવ્યું છે. જેમાં બોટાદના લાઠીદડ બીટના વજેલી ગામના ખારા વિસ્તારમાં એક કાળિયારનો શિકાર કરાયો છે.
ભાવનગર રેન્જના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ૧, વલભીપુરના મેવાસા ગામમાં પણ એક કાળિયારનો શિકાર થયાનું નોંધાયું છે. કાળિયારના શિકાર બદલ કુલ ૧૨ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.SS1MS