આતંકવાદીઓએ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડીશા અને તામિલનાડુના પ્રવાસીઓ ઉપર ગોળીબાર કર્યાે હતો

પહેલગામમાં પર્યટકો ઉપર આતંકી હુમલો -૨૬ના મોતઃ ૧૨થી વધુને ઈજા , ચાર ગંભીરઃ મૃત્યુઆંક વધવાની દહેશત
ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, તામિલનાડુ સહિતના રાજ્યોના પર્યટકો ઉપર આતંકવાદીઓએ અંધાધૂધ ગોળી બાર કર્યો
પહેલગામમાં જંગલને અડીને જ આવેલાં મેદાનમાં પ્રવાસીઓ મોજ માણી રહ્યા હતા ત્યારે આર્મીના ડ્રેસમાં ૭ જેટલા આતંકવાદીઓ ત્રાટક્યા
(એજન્સી)પહેલગામ, જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ની કલમ નાબૂદ કર્યા પછી આતંકવાદી ગતિવિધિ ઓછી થઈ ગઈ હતી. હવે સ્થાનિક નાગરિકો રોજી રોટી મેળવતાં થયા હતાં. આ ઉપરાંત દેશભરમાંથી લાખો પ્રવાસીઓ અહિંયા આવવા લાગ્યા હતા. જેના પરિણામે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા વિકાસને અવરોધવા છેલ્લાં કેટલાંક સમયથી આતંકવાદી પ્રવૃત્તિ તેજ કરી હતી.
ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું, દુર્ભાગ્યવશ યતીશભાઇ અને પુત્ર સ્મિતનું હુમલામાં મોત થયું હોવાની સુરક્ષાદળો દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે.
સુરતના મૃતક શૈલેશભાઈ કળઠીયાના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ દરમિયાનમાં આજે મંગળવારે જમ્મુ કાશ્મીરના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનેલાં અને અમરનાથ યાત્રા માટે મહત્ત્વપૂર્ણ પહેલગામમાં બપોરના સમયે પર્યટકો ઘોડેસવારીની તથા નાસ્તાની મોજ માણી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓ આર્મીના ડ્રેસમાં ત્રાટક્યા હતા અને પ્રવાસીઓને તેમના નામ અને ધર્મ પૂછીને અંધાધૂંધ ગોળીબાર કર્યાે હતો.
આ ઘટનાથી ભયનો માહોલ છવાઈ જવા સાથે નાસભાગ મચી ગઈ હતી. પ્રવાસીઓને ગોળી વાગતાં તેઓ મેદાનમાં જ પડી ગયા હતા જ્યારે મહિલાઓએ ભારે રોક્કળ કરી મૂકી હતી. દરમિયાનમાં સ્થાનિકો મદદે આવી પહોંચ્યા હતા. આ વિસ્તારમાં વાહન લઈને જવું શક્ય નહીં હોવાથી આર્મીના જવાનો અને પોલીસ પણ મોડેથી પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સનો મોટો કાફલો સ્થળ ઉપર રવાના કર્યાે હતો. અને હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ હતી. એક પછી એક ૧૨ જેટલાં પ્રવાસીઓને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અને આ હુમલામાં કર્ણાટકના એક પ્રવાસી સહિત ૨૬નાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
આતંકવાદીઓએ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડીશા અને તામિલનાડુના પ્રવાસીઓ ઉપર ગોળીબાર કર્યાે હતો. આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. આ ઘટનામાં બચી ગયેલાં લોકોનાં જણાવ્યા અનુસાર, પહેલગામમાં જંગલ વિસ્તારમાંથી લશ્કરનાં વેશમાં બબ્બેનાં ગ્રુપમાં છથી સાત આતંકવાદીઓ અચાનક જ આ મેદાનમાં આવી ગયા હતા અનેક કેટલાંક લોકોને તેમનો ધર્મ અને નામ પૂછ્યાં બાદ અંધાધૂધ ગોળીબાર શરૂ કરી દીધો હતો
અંદાજે ૫૦થી વધુ રાઉન્ડ ફાયર કર્યા હતા. જેના પરિણામે ૩૦થી વધુ લોકો ગોળી વાગવાનાં કારણે જમીન પર પડી ગયા હતાં. બિનસત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ આ ઘટનામાં ૨૬થી વધુ લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, કેટલાંક વિદેશી પર્યટકો પણ આ સમયે હાજર હતા. જેમાંથી બે વિદેશી પર્યટકોનાં પણ મોત નિપજ્યાં છે. જોકે, આ અંગે સત્તાવાર કશું જ જણાવાયું નથી.
સૂત્રો અનુસાર આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. પોલીસ અનુસાર પહેલગામના બૈસરન ઘાટીમાં ગોળીઓનો અવાજ સંભળાયો હતો. હુમલાખોરોએ બૈસરન ઘાસના મેદાનમાં ઘોડે સવારી કરતા પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું હતું. પહેલગામમાં પ્રવાસીઓ પર્વતની ટોચ પર ટ્રેકિંગ માટે જાય છે. આ આતંકવાદી હુમલો ત્યાં થયો હતો.
ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. જેમાં કેટલાક પ્રવાસીઓને ગોળી વાગી હતી અને તેઓ ઘાયલ થયા હતા. જ્યારે બાકીનો વિસ્તાર સુરક્ષિત છે કારણ કે આ વિસ્તાર પર્વતની ટોચ પર છે જ્યાં કોઈ સુરક્ષા નથી અને પોલીસ વ્યવસ્થા પણ નથી. સાઉદ અરેબિયા પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે તાત્કાલિક ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી.
અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. અમિત શાહને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જવા આદેશ કરતાં જ ગૃહમંત્રી અમિત શાહ સાંજે ૭ વાગે પહેલગામ જવા રવાના થયા હતા અને રાત્રે ત્યાં પહોંચ્યા બાદ ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી. આતંકવાદીની ટાર્ગેટ કિલિંગની આ ઘટનાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી અને ઘટનાની ગણતરીની મિનિટોમાં જ સમગ્ર પહેલગામમાંથી પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા
અને તેઓને સ્થળ છોડી દેવા જણાવ્યું હતું. સમગ્ર પહેલગામમાં લશ્કરનાં જવાનો અને પોલીસની તાકીદની કામગીરીથી સમગ્ર પહેલગામ ખાલી થઈ ગયું હતું. બીજી બાજુ, આ સમગ્ર હુમલાની જવાબદારી લશ્કરે તૈયબાના સંગઠન ટીઆરએફએ લીધી છે. ઈજાગ્રસ્તોની હાલત જોતાં મૃત્યુઆંક વધવાની દહેશત સેવાઈ રહી છે.
મંગળવારે બપોરે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યાે હતો. આ હુમલામાં રાજસ્થાનના એક પ્રવાસીનું મોત થયું હતું. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, બે આતંકવાદી સેનાનાં કપડાંમાં આવ્યા હતા, પહેલા તેમણે પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરી ફરાર થઈ ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના બૈસરન ઘાટીમાં બની હતી, જેમાં ૧૨થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંના કેટલાક સ્થાનિક પણ છે, જોકે સમાચાર એજન્સી અનુસાર, ઘાયલોની સંખ્યા ૧૨ છે. ઘાયલોમાં ૩ ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાવનગરના વિનોદ ભટ્ટ, માનિક પટેલ, રીનો પાંડે ઈજાગ્રસ્તોમાં સામેલ છે.
મૃતકોની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. એક મહિલાએ સમાચાર એજન્સીને ફોન કરીને જણાવ્યું કે તેના પતિને માથામાં ગોળી વાગી છે. મહિલાએ પોતાની ઓળખ જાહેર કરી નથી.