૮૦,૦૦૦ કરોડનું દેવું: હવે એર ઈન્ડીયાને વેચવા નિર્ણય
નવી દિલ્હી, સરકારે એર ઈન્ડીયામાં સ્ટેક વેચવા માટે બોલી આમંત્રીત કરી છે. બોલી ૧૭ માર્ચ સુધી લગાવી શકાશે. સરકારે એર ઈન્ડીયામાં ૧૦૦ ટકા સ્ટેક વેચવાનો નિર્ણય લીધો છે. બોલી દસ્તાવેજ અનુસાર એર ઈન્ડીયા એકસપ્રેસ અને એરપોર્ટ સર્વિસ કંપની એઆઈએસએટીએસમા પણ સરકાર ૧૦૦ ટકા હિસ્સેદારી વેચશે. એર ઈન્ડીયાના જોઈન્ટ વેન્ચર એઆઈએસએટીએસમાં તેમની હિસ્સેદારી ૫૦ ટકા છે. બિડીંગ પ્રક્રિયામાં જે કવોલીફાઈડ થશે તેમને ૩૧ માર્ચ સુધી તેની માહિતી અપાશે. એર ઈન્ડીયા અને એર ઈન્ડીયા એકસપ્રેસમાં ૧૦૦ ટકા શેર સરકાર પાસે છે. આ પહેલા ૨૦૧૮માં એર ઈન્ડીયામાં ૭૬ ટકા હિસ્સેદારી વેચવાનો પ્રસ્તાવ મોદી સરકાર લાવી હતી. પરંતુ આ ડીલ માટે કોઈ આગળ આવ્યુ નહોતું એવામાં સરકારે હવે ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવાનો નિર્ણય લીધો છે.
એર ઈન્ડીયા લગભગ ૮૦,૦૦૦ કરોડની નુકશાનીમાં છે. ડોમેસ્ટીક માર્કેટમાં તેનો હિસ્સો ૧૨.૭ ટકા છે. ૨૦૧૯માં ૧૮.૩૬ મીલીયન પેસેન્જરોએ એર ઈન્ડીયામાં મુસાફરી કરી હતી. ગયા વર્ષે તેને રોજનું ૨૨ તી ૨૫ કરોડનું નુકશાન થયુ હતું. વર્ષ ૨૦૦૦ સુધી એર ઈન્ડીયા નફામા હતી પરંતુ તે પછી તે દેવામાં ડૂબી ગઈ હતી. ૨૦૦૧માં તેની ખોટ ૫૭ કરોડની હતી. માર્ચ ૨૦૧૧માં કંપનીનું દેવુ વધીને ૪૨૬૦૦ કરોડ અને પરિચાલન ખાધ ૨૨૦૦૦ કરોડ રૂપિયા હતી. ૨૦૧૮-૧૯માં તેની ખોટ ૮૪૦૦ કરોડની હતી. એર ઈન્ડીયાએ મહિને ૩૦૦ કરોડ રૂપિયા કર્મચારીઓને વેતન સ્વરૂપમાં આપવાના હોય છે. વધુ ઓપરેટીંગ કોસ્ટ અને વિદેશી મુદ્રામાં નુકશાનને કારણે કંપની ખોટમાં છે. અત્રે નોંધનીય છે કે ઓઈલ કંપનીઓએ તેને તાજેતરમાં ઈંધણ આપવાની પણ મનાઈ કરી હતી.