Western Times News

Gujarati News

તમામ જિલ્લાઓમાં માર્ગોની રિસરફેસિંગ તથા અન્ય આનુષાંગિક કામગીરી સહિતના કામો માટે 1242 કરોડની ફાળવણી

પ્રતિકાત્મક

Ø  ૧૧૮ માર્ગોની ૭૩૫ કિલોમીટર લંબાઈમાં રિસરફેસિંગના કામો માટે ૯૭૫ કરોડ રૂપિયા

Ø  કડી તાલુકામાં ૪ માર્ગોની સુધારણા માટે ૧૭૧ કરોડ રૂપિયા ફાળવાયા

Ø  કચ્છમાં દેશલપર-હાજીપીર ૩૨ કિલોમીટર સ્ટેટ હાઈવે પર ૭ મીટર પહોળાઈમાં સી.સી. રોડ અને અન્ય કામો માટે રૂપિયા ૯૫ કરોડ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોતર સંગીન બનાવીને નાગરિકો તથા વ્યાપાર, ઉદ્યોગોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો સુચારુ અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં તમામ જિલ્લાઓમાં રસ્તાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અત્યંત જરૂરિયાતવાળા રસ્તાઓના રિસરફેસિંગ અને અન્ય આનુષાંગિક કામગીરી માટે ૧૧૮ માર્ગોની ૭૩૫ કિલોમીટર લંબાઇમાં આવા કામો હાથ ધરવા ૯૭૫ કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ માટે મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત મહેસાણા જિલ્લાના કડી તથા કચ્છના દેશલપર-હાજીપીરમાં રોડ નેટવર્કના વિવિધ કામો માટે કુલ ૨૬૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

તદઅનુસાર, મહેસાણા જિલ્લાના મહત્વપૂર્ણ એવા કડી તાલુકામાં આવતા માર્ગોની જરૂરી સુધારણાના ચાર કામો માટે કુલ ૧૭૧ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

આ ૪ માર્ગોમાં ડાંગરવા-કરજીસણ રોડ તેમજ કડી-જાસલપુર-મોકાસણ-સુરજ રોડના મજબૂતીકરણ, રિસરફેસિંગ અને સી.સી. રોડની કામગીરી માટે કુલ ૨૭ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આ જ તાલુકાના અન્ય બે માર્ગો એવા ભાલ્ટી-ધરમપુર-ખાવડ રોડ તેમજ કડી-નાની કડી-બાવડુ- ચંદ્રાસણ -ખોડાનો ઢાળ રોડ જેવા કડી તાલુકા મથક સાથે જોડાતા અગત્યના રસ્તાઓ પરના ટ્રાફિક ભારણને ધ્યાનમાં લઈને આ માર્ગોને ૭ મીટર તથા ૧૦ મીટર પહોળા કરવાની કામગીરી માટે ૧૪૪ કરોડ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ ફાળવ્યા છે. આમ, કડી તાલુકાના માર્ગ સુધારણાના કુલ ૪ કામો માટે ૧૭૨ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના આ માર્ગો સાથે કચ્છ જિલ્લાના યાત્રાધામ હાજીપીરને જોડતા દેશલપર-હાજીપીરના ૩૨ કિલોમીટર લંબાઈના ૭ મીટર પહોળા સ્ટેટ હાઈવે પર અતિભારે વાહનોની અવરજવર ધ્યાનમાં લઈને તેને સી.સી. રોડ બનાવવા માટે ૯૫ કરોડ રૂપિયા ફાળવવાનો પણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ સમગ્રતયા રાજ્યમાં માર્ગોના મજબૂતીકરણ, રિસરફેસિંગ, સી.સી. રોડ વગેરે કામો માટે ૧૨૪૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આના પરિણામે છેવાડાના ગામોના વાહન વ્યવહારને તાલુકા મથક સુધીની અવરજવરમાં સુગમતા રહેશે તેમજ નગરો અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વેગ મળશે અને ઔદ્યોગિક વિસ્તારના વાહન વ્યવહાર તેમજ હાજીપીર યાત્રાધામ સાથેની કનેક્ટિવિટી પણ સુદ્રઢ થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગોના રિસરફેસિંગ અને અન્ય આનુષાંગિક કામો માટેની જે નાણાં ફાળવણી કરી છે તેનાથી જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે, મુખ્ય જિલ્લા માર્ગો તેમજ અન્ય ગ્રામ્ય માર્ગ કક્ષાના જરૂરિયાત વાળા રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાહિતલક્ષી નિર્ણયથી લોકોને યાતાયાત માટે સારી સપાટી વાળા અને સુવિધાયુક્ત માર્ગો મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.