પહલગામ આતંકી હુમલા અંગે પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા

ઈસ્લામાબાદ, જમ્મુ-કાશ્મીરના પહલગામના બેસરનમાં મોટો આતંકી હુમલો થયો હતો જેમાં ૨૬ લોકોના મૃત્યુ થયા છે. તેમજ ડઝનેકથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એવામાં આ હુમલાને લઈને પાડોશી દેશ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે આ (હુમલા) સાથે અમારો કોઈ સંબંધ નથી. અમે તમામ પ્રકારના આતંકવાદને નકારીએ છીએ.’પાકિસ્તાની ટીવી ન્યૂઝ ચેનલને નિવેદન આપતાં પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો કે, ‘આ હુમલા પાછળ ભારતના લોકોનો જ હાથ છે.
ત્યાંના લોકોએ સરકાર સામે બળવો કર્યાે છે. ત્યાં, નાગાલેન્ડથી લઈને મણિપુર અને કાશ્મીર સુધી, લોકો સરકારની વિરુદ્ધ છે. ભારતમાં હિન્દુત્વ સરકાર લોકોના અધિકારોનો નાશ કરી રહી છે અને તેમનું શોષણ કરી રહી છે. આથી લોકો આનો વિરોધ કરી રહ્યા છે.’
પાકિસ્તાનના સંરક્ષણમંત્રીએ એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, ‘ભારતની વર્તમાન સરકાર ત્યાં રહેતા લઘુમતીઓને હેરાન કરી રહી છે. આમાં બૌદ્ધ, ખ્રિસ્તી અને મુસ્લિમોનો સમાવેશ થાય છે. લોકોનો નરસંહાર થઈ રહ્યો છે. લોકો આની સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
આવી આતંકી ઘટનાઓ સાથે અમારો કોઈ સંબંધ નથી. હું આવા હુમલાઓની નિંદા કરું છું. ખાસ કરીને નાગરિકો પર આવા હુમલા ન કરવા જોઈએ.’SS1MS