અમદાવાદના પોલીસ હેડ કોન્સ્ટેબલનો દિકરો અંશુલ યાદવ UPSCમાં ઝળક્યો

અમદાવાદના અંશુલ યાદવે 473 રેન્ક સાથે યુપીએસસી પરીક્ષા પાસ કરી
યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થઇ ગયુ છે. ઉત્તર પ્રદેશની શક્તિ દુબેએ યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. જોકે, આ રેન્કિંગમાં ગુજરાત પોલીસને પણ ગૌરવની ક્ષણ પ્રાપ્ત થઈ છે. અમદાવાદના પોલીસકર્મીના દીકરા અંશુલ યાદવે ૪૭૩ રેન્ક સાથે યુપીએસસી પરીક્ષા પાસ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
આ વર્ષે ગુજરાતના ૩ વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષામાં બાજી મારી છે. જેમાં અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કૉન્સ્ટેબલ સુભાષ યાદવના દીકરાએ પણ યુપીએસસી ક્લિયર કરીને પિતાની સાથે સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. પોલીસ કોન્સ્ટેબલ સુભાષ યાદવ પોતાના પુત્ર પાછળ મહેનત કરી તેમના માટે રોલ મોડલ બન્યા છે, ત્યારે પોલીસ ખાતામાં પણ આનંદની લહેર છવાઈ ગઈ છે.
આ અંગે વાત કરતાં અંશુલ યાદવે જણાવ્યું કે, આ પરીક્ષા માટે તેણે ખૂબ જ મહેનત કરી હતી. સાથે જ તેણે કહ્યું કે સરકાર દ્વારા પણ તેમને સહાય મળી હતી. મેં અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે. બાદમાં IIT દિલ્હીથી તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી.
બાદમાં બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયરની જોબ ૧ વર્ષ માટે કરી હતી. જોકે બાદમાં યુપીએસસી પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને આ પરીક્ષામાં ૪૭૩ રેન્ક સાથે પાસ કરી છે. સમગ્ર મામલે અંશુલ યાદવે એવું પણ કહ્યું કે તેમની પોસ્ટિંગ ગુજરાતમાં મળે તો મને વધારે ગમશે.
અંશુલ યાદવના પિતાએ કહ્યું કે, પરીક્ષા માટે મારા દીકરાએ ખૂબ જ મહેનત કરી છે. તેને તેનું મહેનતનું પરિણામ સારું મળ્યું છે. આ પરીક્ષા માટે ૪ વર્ષથી તૈયારી કરી રહ્યો હતો. અગાઉ પણ તેણે ૩ ટ્રાયલ આપ્યા હતા. હાલ દીકરાએ યુપીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ પરિવારમાં આનંદનો માહોલ છવાયેલો છે.