હુમલામાં આતંકીઓને મદદ કરનારા 1500ની અટકાયતઃ 2 સ્થાનિક અને 3 પાકિસ્તાનના સામેલ

File
ભારતીય સેના સરહદ પર સજ્જ -આતંકવાદીઓને મદદ કરનારની શોધખોળઃ
(એજન્સી)નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના લોકપ્રિય પ્રવાસન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો ઉપર અંધાધૂધ ગોળીબાર કરતાં ૨૬ નાગરિકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં. આ ઘટનાના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.
ભારતમાં પણ આ ઘટનાને લઈ નાગરિકોમાં ભારે રોષ જોવા મળતો હતો. અને પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવાની લાગણી પ્રદર્શિત જોવા મળી હતી. આજે કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથસિંહના પ્રમુખસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં અજીત ડોભાલ ઉપરાંત લશ્કરની ત્રણેય પાંખના વડાઓ ઉપસ્થિત હતાં. આ બેઠક બાદ ભારતીય લશ્કરનાં અધિકારીઓએ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેઓ તૈયાર છે તેવું તેમણે જણાવ્યું હતું.
બીજી બાજુ, સરહદ ઉપર ગતિવિધિ તેજ બનતાં અનેક પ્રકારની અટકળો સેવાતી હતી. જોકે, ભારતીય લશ્કર સરહદ પર એલર્ટ થઈ ગયું છે. બીજી બાજુ, અમિત શાહ પણ સાંજે કાશ્મીરથી દિલ્હી આવી પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મળેલી સીસીએસની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે.
આતંકવાદીઓના હુમલા બાદ પહેલગામમાં અને ખાસ કરીને દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની આતંકવાદીઓને સ્થાનિક લેવલથી મદદ મળી હોવાની ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ છે. અને ૧૫૦૦થી વધુ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આજે મીડિયામાં સંડોવાયેલા આતંકવાદીઓની તસવીર વાયરલ થઈ છે. સરહદ ઉપર તંગદિલી અને ગંભીર ઘટનામાં ભારત વળતો જવાબ આપે તેવી સંપૂર્ણ શક્યતાથી પાકિસ્તાનમાં પણ ભયનો માહોલ હોવાનો જાણવા મળી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામ માં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં લગભગ ૨૬ નિર્દોષ લોકોના જીવ ગયા. આ આતંકવાદી હુમલા બાદ બુધવારે આ ભયાનક હત્યાકાંડમાં સામેલ ૩ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. આ ભયાનક આતંકવાદી હુમલામાં આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હાનો સમાવેશ હોવાની શંકા છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓની તસવીર હવે જાહેર થઈ છે. સેના અને સ્થાનિક પોલીસની વિશેષ ટીમો આ આતંકવાદીઓની શોધમાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ, આ હુમલામાં કુલ છ ઈસ્લામિક જેહાદી આતંકવાદીઓનો સમાવેશ થતો હતો.
સુરક્ષા એજન્સીઓએ આ પહેલાં આતંકવાદીઓના ત્રણ સ્કેચ પણ જાહેર કર્યા હતા. કેન્દ્રીય એજન્સીના સૂત્રો મુજબ, પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટએ હુમલાની જવાબદારી લીધી છે.
સેનાના ઓપરેશન વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે, જે પાકિસ્તાનમાં હાજર છે. અહીં, રાષ્ટ્રીય તપાસ એજન્સી પણ તપાસ માટે પહેલગામ પહોંચી ગઈ છે.
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલામાં ૫ આતંકવાદીઓ સામેલ હતા. આમાંથી બે સ્થાનિક અને ત્રણ પાકિસ્તાની આતંકવાદી હતા. પોલીસે પૂછપરછ માટે સેંકડો લોકોની અટકાયત કરી છે. લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી પાંખ, રેઝિસ્ટન્સ ફ્રન્ટએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે આ હુમલામાં અમારો કોઈ હાથ નથી.
હુમલામાં શહીદ થયેલા નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલને તેમની પત્ની હિમાંશીએ અંતિમ વિદાય આપી. જે શબપેટીમાં તેમનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો તેને ગળે લગાવીને રડતી રહી. વિનય અને હિમાંશીના લગ્ન આ મહિનાની ૧૬ તારીખે થયા હતા.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લીધે દેશ ક્રોધે ભરાયેલો છે. દરેક તેની પાછળ છુપાયેલા લોકો પર કાર્યવાહી ઇચ્છે છે. એવામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં આપણે ઘણી માસૂમ જીંદગીઓ ગુમાવી દીધી છે. અમને આ વાતનું દુખ છે. હું તે પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમને પોતાના પરિજનોનો ગુમાવ્યા. અમારી આતંકવાદ પ્રત્યે જીરો ટાલરેન્સની નીતિ છે. હું દેશવાસીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં ભરશે.
અમે ના ફક્ત આ કૃત્યને અંજામ આપનાર દોષીઓ સુધી પહોંચીશું પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું. આરોપીઓને જલદી જોરદાર અને સ્પષ્ટ જવાબ મળશે, હું દેશને આશ્વસ્ત કરવા માંગુ છું.
સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પરિણામોની ચર્ચા કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સૈન્યના પ્રમુખ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સાથે ઈમરજન્સી બેઠક કરી હતી.
આ બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. આ પહેલા સંરક્ષણ મંત્રીને પહલગામ અને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને તેમના નૌકાદળના સમકક્ષ એડમિરલ દિનેશ ત્રિપાઠી દ્વારા માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.