Western Times News

Gujarati News

સોમનાથ-દ્વારકા- અંબાજી સહિતના ધાર્મિક સ્થાનો પર પોલીસનો બંદોબસ્ત વધારાયો

File Photo

પહેલગામની ઘટનાના પગલે રાજયમાં પોલીસ- સુરક્ષા એજન્સીઓ “એલર્ટ”

(પ્રતિનિધિ) અમદાવાદ, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ર૬ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોમાં આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે આતંકવાદીઓના કૃત્ય સામે કડક પગલા લેવા દેશભરમાંથી માંગ ઉઠી રહી છે.

ત્યારે દેશમાં આંતરિક સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની સમસ્યા ઉદ્‌ભવે નહી તે માટે પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ સુરક્ષા એજન્સીઓ- પોલીસને “હાઈ એલર્ટ” કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળો તથા જુદા-જુદા શહેરોમાં આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની તૈનાતીની સાથે મુવમેન્ટ વધારી દેવામાં આવી છે. રાજયમાં આવેલા તમામ મોટા ધાર્મિક સ્થળો સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર સહિતના સ્થાનો પર પોલીસની સ્પેશિયલ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. સોમનાથ-દ્વારકા દરિયાની નજીક હોવાથી આ બંને સ્થાનો પર હાઈએલર્ટ જાહેર કરાયુ છે.

અંબાજીમાં એસ.ઓ.જી.ની ટીમ તૈનાત કરાઈ છે તો તેમની સાથે ચુનંદા સ્નાઈપર્સને સ્ટેન્ડબાય રખાયા છે. પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની નૃશંસ હત્યા કર્યા પછી તેઓ જંગલ તરફ ભાગી છૂટ્યા હતા. આ ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા હતા તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તાબડતોડ શ્રીનગર પહોંચવા જણાવ્યું હતું. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ પૂછીને ગોળીઓ માર હતી. આ પ્રકારની વાત બહાર આવ્યા પછી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

ગુજરાતમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટે નહી તે માટે સુરક્ષા એજન્સીઓ, પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. ધાર્મિક સ્થળોની સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે.

પોલીસ પેટ્રોલીંગની સાથે ફૂટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે. બીજી તરફ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર વોચ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને શકમંદો પર નજર રાખવામાં આવશે તેમની ગતિવિધી શંકાસ્પદ જણાશે તો તેમને તાત્કાલિક રાઉન્ડ અપ કરી લેવામાં આવશે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ ડહોળાય નહી તે માટે તકેદારીના તમામ પગલા લેવાઈ રહયા છે.

સ્થાનિક પોલીસની સાથે ક્રાઈમબ્રાંચ, એસ.ઓ.જી, સી.આઈ.ડી. સહિતના પોલીસના જુદા-જુદા વિભાગના અધિકારીઓ, જવાનો મેદાનમાં આવી ગયા છે. સ્થાનિક પોલીસની સાથે જરૂર પડે ખડેપગે રહેવા તેમને જણાવાયુ છે ધાર્મિક સ્થળો, સંવેદનશીલ વિસ્તારોની સાથે અમદાવાદ જેવા શહેરમાં આવેલા એસ.ટી. ગીતા મંદિર, કાલુપુર રેલ્વે સ્ટેશન, એરપોર્ટ સહિતની જગ્યાઓ પર સતત ચેકીંગ હાથ ધરાશે આવનાર પેસેન્જરોની પણ જરૂર જણાય તો તપાસ હાથ ધરાશે.

ગુજરાતમાં પહેલગામની ઘટનાના પગલે કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસને એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતની ત્રણેય સેનાઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની બોર્ડર નજીક હોવાથી ગુજરાત બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને પાકિસ્તાની સરહદ અડીને આવેલી છે. બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી યાત્રાધામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરે એસઓજીની ટીમ અને સ્નાઇપરને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

મંદિરમાં દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે. આતંકવાદી હુમલાની ઘટના વચ્ચે રાજ્યમાં શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અમદાવાદમાં પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકીંગ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ ચાંપતી નજર રાખી હતી. સોશિયલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઇપણ શંકાસ્પદ ગતિવિધિ જણાશે તો તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.