યાત્રાધામ અંબાજી, સોમનાથ, દ્વારકાની સુરક્ષા વધારવામાં આવી

અંબાજી, જમ્મુ કાશમીરમાં થયેલા હુમલાને લઈ બનાસકાંઠા વહીવટી તંત્ર પણ એલર્ટ બની યાત્રાધામ અંબાજી ખાતે જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડ સહિતની એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે રાજ્યના મંદિરોની સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા તથા સોમનાથ મંદિરની સુરક્ષા વધુ સઘન બનાવાઈ છે.
દક્ષિણ કાશમીરના અનંતનાગ જિલ્લાના પહેલગામથી છ કિલોમીટરના અંતરે આવેલા પર્યટક સ્થળ બૈસરન ખાતે થયેલા આતંકી હુમલામાં ૨૭ પ્રવાસીઓના મોત થયા છે. જેને લઇ બનાસકાંઠા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. યાત્રાધામ અંબાજી ખાતે અસંખ્ય માઇભક્તો મા અંબાના દર્શન કરવા આવતા હોય છે.
જેની સુરક્ષાને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ, એસઓજી, એલસીબી, અંબાજી સ્થાનિક પોલીસ દ્વારા અંબાજી શહેર તેમજ મંદિરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અંબાજીમાં પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
આજે પોલીસ દ્વારા દ્વારકા તથા ગીર સોમનાથમાં આવેલા દેશના પ્રથમ જ્યોતિ‹લગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દરિયાઈ પેટ્રોલિંગ અને ક્વિક રિસ્પોન્સ ટીમનું બળ વધારવામાં આવ્યું છે.
મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.આ સાથે પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. પથિક સોફ્ટવેર મારફતે હોટલ અને ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર આકસ્મિક ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મંદિરની સુરક્ષાને લઈને તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને સતર્કતાનું સ્તર વધારવામાં આવ્યું છે.SS1MS