જીટીયુ પરીક્ષામાં ગેરરીતિ કરતાં ૧૪૩ વિદ્યાર્થીઓને સજા

અમદાવાદ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વીન્ટર સેશનમાં લેવામાં આવેલી ડિપ્લોમા-ડિગ્રી ઇજેનરી, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતની પરીક્ષાઓમાં ગેરરીતિમાં ઝડપાયેલા ૧૪૩ વિદ્યાર્થીઓની આખરી સજાની સૂનાવણી કરી દેવામાં આવી છે.
જેમાં સૌથી વધુ ૫૦ વિદ્યાર્થીઓને લેવલ ૩ની સજા કરવામાં આવી છે.યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરતાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની સજા નક્કી કરવા માટે તાજેતરમાં પરીક્ષા શુધ્ધિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓ પર નિર્ધારિત કરાયેલી ગેરરીતિના આધારે કયા પ્રકારની સજા થઇ શકે તે નક્કી કરવામાં આવ્યું હતુ.
આ કાર્યવાહી પછી વિદ્યાર્થીઓની રૂબરૂમાં સૂનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થાય બાદ હાલમાં આખરી સજા જાહેર કરી દેવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા કયા વિદ્યાર્થીને કયા પ્રકારની સજા કરવામાં આવી છે તેની વિગતો વેબસાઇટ પર પણ મુકી દેવામાં આવી છે. સૂત્રો કહે છે કે કુલ ૧૮ વિદ્યાર્થીઓને લેવલ ૧ની સજા કરવામાં આવી છે.
આજ રીતે ૩૪ વિદ્યાર્થીઓને લેવલ ૨ની સજા અને ૫૦ વિદ્યાર્થીઓને લેવલ ૩ની સજા કરવામાં આવી છે. જયારે ૨ વિદ્યાર્થીઓને લેવલ ૫ની સજા કરવામાં આવી છે.ડિપ્લોમા ઇજનેરીમાં સેમેસ્ટર ૧માં રેમેડિયલ એકઝામમાં ગોધરાની પોલીટેકનિક કોલેજમાં ડમી વિદ્યાર્થીને બેસાડવાની ઘટના બહાર આવી હતી.
આ ઘટનામાં સંડોવાયેલા બે વિદ્યાર્થીે લેવલ ૫ની એટલે કે સૌથી વધુ સજા કરવામાં આવી છે. એટલે કે ચાલુવર્ષના તમામ વિષયોમાં નાપાસ કરવા આગામી ચાર સેમેસ્ટર સુધી પરીક્ષામાં ઉપસ્થિત ન રહેવા દેવાની સજા કરવામાં આવી છે.
સૌથી વધુ ૫૦ વિદ્યાર્થીઓને લેવલ ૩ની સજા કરવામાં આવી છે જેમાં ચાલુવર્ષે તમામ વિષયોમાં નાપાસ કરવા ઉપરાંત આગામી સેમેસ્ટરની પરીક્ષામાં ઉપસ્થિત ન રહેવાની સજા કરવામાં આવી છે. મહત્વની વાત એ કે,કુલ ૩૯ વિદ્યાર્થીઓ એવા છે કે જેમની સામે પરીક્ષા સમયે ગેરરીતિનો કેસ થયા બાદ સૂનાવણી પછી તેમને કોઇપણ પ્રકારની પેનલ્ટી કરવામાં આવી નથી.
આમ, વીન્ટર સેશનમાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિમાં ઝડપાયેલા તમામ ૧૪૩ વિદ્યાર્થીઓની સૂનાવણી અને સજા સહિતની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે.SS1MS